પાકિસ્તાનમાં પૂરને કારણે ઇમર્જન્સીઃ ત્રણ કરોડ લોકો ઘરવિહોણા

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન સરકારે વરસાદને કારણે આવેલા પૂરમાં અત્યાર સુધી 343 બાળકો સહિત 937 લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત પૂરને કારણે કમસે કમ ત્રણ કરોડ લોકો ઘરવિહોણા થયા પછી સરકારે રાષ્ટ્રીય ઇમર્જન્સીની ઘોષણા કરી છે. જેથી વડા પ્રધાને બ્રિટનનો ખાનગી પ્રવાસ રદ કરી દીધો છે.  નેશનલ ડિઝેસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના જણાવ્યાનુસાર સિંધ પ્રાંતમાં 14 જૂનથી અત્યાર સુધી પૂર અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં 306 લોકોનાં મોત થયાં છે.

આ વર્ષે ચોમાસાની સીઝનમાં બલૂચિસ્તાનમાં 234 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ખૈબર પખ્તૂનખા તથા પંજાબ પ્રાંતમાં ક્રમશઃ 185 અને 165 લોકોનાં મોત થયાં હતાં. આ સાથે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં અને ગિલગિત-બાલ્ટિસ્તાન ક્ષેત્રમાં નવ લોકોનાં મોત થયાં હતા.

NDMAના ડેટા મુજબ પાકિસ્તાનમાં ઓગસ્ટમાં 166.8 મિમી વરસાદ થયો હતો. જે આ સમયગાળામાં થનારા 48 મિમી વરસાદથી 241 ટકા વધુ છે. આ ચોમાસામાં સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્ર સિંધ અને બલૂચિસ્તાનમાં ક્રમશઃ 784 ટકા અને 496 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. પાકિસ્તાનના વરસાદના અસામાન્ય વધારાને કારણે દક્ષિણ ભાગમાં અચાનક પૂર આવ્યું હતું, જેને કારણે સિંધના 23 જિલ્લાઓને ઇમર્જન્સી પ્રભાવિત જાહેર કરવામાં આવ્યા હતા.

જળવાયુ પરિવર્તન મંત્રી શેર રહેમાને કહ્યું હતું કે વડા પ્રધાન શહબાઝ શરીફે NDMAમાં એક વોર રૂમ સ્થાપિત કર્યો છે, જે દેશભરમાં રાહત કાર્યોનું નેતૃત્વ કરશે.

પાકિસ્તાનમાં સીઝનમાં વરસાદનો આઠમો રાઉન્ડ જારી છે. સામાન્ય રીતે મોન્સુનનો વરસાદ ત્રણ-ચાર દિવસમાં હોય છે. પાકિસ્તાનમાં સપ્ટેમ્બરમાં વરસાદના એક રાઉન્ડ આવવાની વકી છે. પાકિસ્તાનમાં ભારે વરસાદથી દેશનાં વિવિધ ક્ષેત્રોમાં પૂલ અને સંપર્કના પાયાના માળખા વહી ગયા છે. પાકિસ્તાનમાં આશરે ત્રણ કરોડ લોકો ઘરવિહોણા થઈ ગયા છે, તેમની પાસે ખાધાખોરાકી પણ નથી, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]