ઈજિપ્તમાં મસ્જિદ નજીક બોમ્બ વિસ્ફોટ, ગોળીબારમાં ૨૩૫નાં મરણ, અનેક ઘાયલ

કેરો – ઈજિપ્તના અશાંતિગ્રસ્ત ઉત્તર સિનાઈ પ્રાંતમાં આજે એક મસ્જિદમાં શુક્રવારની નમાઝ દરમિયાન ભયાનક બોમ્બ વિસ્ફોટ થતાં ૨૩૫ જણ માર્યા ગયા છે અને બીજાં સવાસોથી વધારે લોકો ઘાયલ થયા છે.

ઉત્તરીય સિનાઈના પાટનગર અલ-અરીશ શહેરથી લગભગ ૪૦ કિ.મી. દૂર આવેલી અલ-રોવડા મસ્જિદ નજીક મૂકવામાં આવ્યો હતો અને મસ્જિદમાં શુક્રવારની નમાઝ પઢાઈ રહી હતી એ જ વખતે પ્રચંડ વિસ્ફોટ થયો હતો.

ધડાકો થયા બાદ લોકો ગભરાટના માર્યા મસ્જિદમાંથી બહાર નીકળવા લાગ્યા હતા ત્યારે બંદૂકધારીઓએ એમની પર ગોળીબાર કર્યો હતો.

આ હુમલા માટે હજી સુધી કોઈ જૂથે જવાબદારી સ્વીકારી નથી.

ઈજિપ્તના પ્રમુખ અબ્દેલ ફતહ અલ-સીસીએ આ ઘટના અંગે ચર્ચા કરવા માટે અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી હતી.

ઘટનાસ્થળે ૫૦ જેટલી એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી અને ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

ભૂતપૂર્વ પ્રમુખ હોશની મુબારકને જેમાં સત્તા પરથી ઉથલાવી મૂકાયા હતા તે ૨૦૧૧ના જાન્યુઆરીની ક્રાંતિ બાદ ઈજિપ્તના નોર્થ સિનાઈ પ્રદેશમાં ઉગ્રવાદીઓ દ્વારા ઘણા હિંસક હુમલાઓ કરવામાં આવ્યા છે.