આતંકી હાફિઝ સઈદને દુનિયાથી છુપાવી રહ્યું છે પાકિસ્તાન: મીડિયા કવરેજ પર પ્રતિબંધ

ઈસ્લામાબાદ- પાકિસ્તાનનો આતંકી ચહેરો વિશ્વ સમક્ષ ફરી એકવાર બેનકાબ થયો છે. પાકિસ્તાને આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઈદને મુક્ત કર્યો છે. જોકે હવે પાકિસ્તાન પોતાની આ હરકતને દુનિયાથી છુપાવવા માગે છે. આજ કારણ છે કે, પાકિસ્તાન સરકારે આતંકી હાફિઝ સઈદના મીડિયા કવરેજ પર બેન લગાવ્યો છે. લાહોરમાં આજે હાફિઝના સંબોધનમાં મીડિયા કવરેજ નહીં કરવાના પાકિસ્તાન સરકારે નિર્દેશ આપ્યા છે.

હાફિઝ સઈદના છુટવા પર ભારત સહિત વિશ્વના અનેક દેશોએ વિરોધ વ્યક્ત કર્યો છે. મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ પર અમેરિકાએ એક કરોડ ડોલરનું ઈનામ જાહેર કર્યું છે. જેથી વિશ્વમાં હાફિઝને કારણે થતી બદનામીથી બચવા પાકિસ્તાને હાફિઝના મીડિયા કવરેજ પર બેન લગાવ્યો છે. આપને જણાવી દઈએ કે, હાફિઝે જેલમાંથી બહાર આવતાની સાથે જ ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરુ કર્યું છે અને કશ્મીરની આઝાદીનો રાગ આલાપ્યો છે.

લાહોરના જહૌર ગામમાં હાફિઝ સઈદના ઘરની બહાર જમાત-ઉદ-દાવાના કાર્યકરો મોટી સંખ્યામાં તેનું સ્વાગત કરવા ભેગા થયા હતા. જેલમાંથી છુટ્યા બાદ હાફિઝે સમર્થકો સાથે ઉજવણી કરી હતી. હાફિઝ સઈદે એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં તે પોતાના સમર્થકો સાથે કેક કાપી રહેલો અને મીઠાઈ ખાતો દેખાઈ રહ્યો છે.