ઢાકા – બોલીવૂડ એક્ટર ઈરફાન ખાને બાંગ્લાદેશની એક ફિલ્મમાં એક્ટિંગ કરી છે. ફિલ્મનું નામ છે ‘ડૂબ’.
બાંગ્લાદેશે આ ફિલ્મને તેની સત્તાવાર એન્ટ્રી તરીકે ઓસ્કર એવોર્ડ માટે મોકલી છે.
બાંગ્લાદેશે ‘ડૂબ’ ફિલ્મને શ્રેષ્ઠ વિદેશી ભાષી ફિલ્મની કેટેગરી માટે મોકલી છે.
‘ડૂબ’ ફિલ્મના ડાયરેક્ટર છે મુસ્તફા સરવર ફારુકી. ઈરફાન ખાન ફિલ્મના સહ-નિર્માતા પણ છે.
આ ફિલ્મ બાંગ્લાદેશના સ્વર્ગસ્થ લેખક-ફિલ્મ નિર્માતા હુમાયું એહમદના જીવન પર આધારિત છે એવા અહેવાલોને પગલે ફિલ્મ ઉપર બાંગ્લાદેશમાં શરૂઆતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પણ બાદમાં એ ઉઠાવી લીધો હતો. ત્યારબાદ ફિલ્મ 2017ના ઓક્ટોબરમાં બાંગ્લાદેશ, ભારત, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયામાં રિલીઝ કરવામાં આવી હતી.
ઈરફાન ખાને નિર્માતાનો રોલ કર્યો છે. રોકીયા પ્રાચી નામની અભિનેત્રી ઈરફાનની પત્ની બની છે. બાંગ્લાદેશી અભિનેત્રી નુસરત ઈમરોઝ ઈરફાનની પુત્રી બની છે.
બાંગ્લાદેશી લેખક-નિર્માતા હુમાયું એહમદે 27 વર્ષના લગ્નજીવન બાદ એમની પત્નીને છૂટાછેડા આપ્યા હતા અને પોતાનાથી 33 વર્ષ નાની અભિનેત્રી સાથે ફરી લગ્ન કર્યા હતા.
91મો એકેડેમી એવોર્ડ્સ કાર્યક્રમ 2019ની 24 ફેબ્રુઆરીએ નિર્ધારિત છે.