વિશ્વ સાહસિક દરિયાઈ સોલો રેસ વખતે મધદરિયે ફસાઈ ગયેલા નૌકાદળના અધિકારીને બચાવી લેવાયા

0
600

પર્થ (ઓસ્ટ્રેલિયા) – ભારતીય નૌકાદળના કમાન્ડર અભિલાષ ટોમી હિંદ મહાસાગરમાં એમની યૉટમાં ફસાઈ ગયા હતા. એમને ત્રણ દિવસ બાદ આજે સવારે ફ્રાન્સની એક માછીમારી બોટે ઉગારી લીધા હતા.

ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી આશરે 1900 દરિયાઈ માઈલ અને કન્યાકુમારીથી 2700 દરિયાઈ માઈલ દૂરના સ્થળે, મધદરિયે ટોમી એક યૉટમાં ફસાઈ ગયા હતા.

કમાન્ડર ટોમીને પીઠમાં ઈજા થઈ છે અને તે જાતે હલી પણ શકતા નહોતા. એમને સ્ટ્રેચર પર સુવડાવીને ફ્રેન્ચ ફિશિંગ જહાજ પર લઈ જવામાં આવ્યા હતા.

અભિલાષ ટોમીઃ સફર પૂર્વેનું વહાણ અને થાંભલો તૂટી ગયા બાદ બોટની હાલત

39 વર્ષીય કમાન્ડર અને ગોલ્ડન ગ્લોબ રેસના સુકાની અભિલાષ ટોમી ગઈ 1 જુલાઈથી શરૂ થયેલી ગોલ્ડન ગ્લોબ રેસમાં ભાગ લેવા માટે ગયા હતા. 10 મીટર લાંબા વહાણ ‘એસ.વી. થૂરિયા’માં સવાર થયેલા ટોમની તે સોલો વિશ્વ સામુદ્રિક સફર હતી, પરંતુ ગયા શુક્રવારે તેઓ એમના વહાણ પરનો થાંભલો (ડોલકૂવો – mast) ખોઈ બેઠા હતા, પરિણામે એ મધદરિયે સ્થગિત થઈ ગયા હતા.

દરિયામાં હવામાન અત્યંત ખરાબ થઈ જતા વહાણનો થાંભલો તૂટી ગયો હતો. એ વખતે પવન કલાકના 130 કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો. તકલીફમાં મૂકાયા એ વખતે ટોમી રેસમાં ત્રીજા નંબરે હતા. એમણે 84 દિવસોમાં 10,500 દરિયાઈ માઈલની સફર પૂરી કરી લીધી હતી.

હિંદ મહાસાગરમાં એ નૈઋત્ય ખૂણે ફસાઈ ગયા હતા. એમને જ્યારે ઉગારી લેવામાં આવ્યા ત્યારે એ હોશમાં હતા.

ટોમીએ 2013માં પણ આ રેસમાં ભાગ લીધો હતો. ત્યારે એ સર્કમનેવિગેટ કરનાર પહેલા ભારતીય બન્યા હતા. એ વખતની રેસમાં એ ત્રીજા આવ્યા હતા. ત્યારે વાવાઝોડાએ રેસને થંભાવી દીધી હતી.

પોતાના અધિકારી અભિલાષ ટોમી મધદરિયે ફસાઈ ગયા હોવાની જાણ થતાં ભારતીય નેવીએ તેનું એક વિમાન મોરિશ્યસથી રવિવારે સવારે રવાના કર્યું હતું. એમાંથી માસ્ટ તૂટેલી અને હાલકડોલક થઈ રહેલી બોટ નજરે પડી હતી.

ટોમી ફ્રાન્સમાં રેસના આયોજકોને મેસેજિસ મોકલીને સંપર્કમાં રહેવામાં સફળ થયા હતા. એમણે લખ્યું હતું કે પોતે હલી શકે એમ નથી તેથી સ્ટ્રેચર મોકલાવજો.

httpss://twitter.com/indiannavy/status/1044127558118322176