વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું પાકિસ્તાન પ્રત્યેનું કડક વલણ ફરી એકવાર જોવા મળ્યું છે. આ વખતે ટ્રમ્પે પાકિસ્તાનને સીધી ચેતવણી આપી છે. ગતરોજ આપેલા એક નિવેદનમાં અમેરિકાના પ્રેસિડેન્ટે કહ્યું કે, ‘જો પાકિસ્તાન ખરેખર ઈચ્છતું હોય કે, પાકિસ્તાન અને અમેરિકાની મિત્રતા જળવાઈ રહે તો, પાકિસ્તાને આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવી જ પડશે’.
વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા પાકિસ્તાનને દર વર્ષે આતંકવાદ સામે લડવા માટે મોટી આર્થિક સહાય કરે છે. તેથી પાકિસ્તાનની ફરજ છે કે, તે અમારી મદદ કરે. સોમવારે પોતાની નવી સુરક્ષા નીતિની જાહેરાત કરતાં ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકા પોતાની અને તેના સહયોગી દેશોની સુરક્ષા માટે તમામ પગલા લેશે. આના માટે ઘણી પહેલેથી કાર્યવાહી કરવાની જરુર હતી, જોકે હવે અમે તેમાં કોઈ કચાશ નહીં રાખીએ.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, રશિયા અને ચીન વિશ્વની બે મોટી શક્તિઓ છે જે અમેરિકાથી આગળ વધી રહી છે. અમેરિકાનો પણ પ્રયાસ છે કે, અમે તેની સાથે આગળ વધીએ. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકનોની સુરક્ષા એ અમારી પ્રાથમિકતા છે.
આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ હાફિઝ સઈદને છોડવાના મુદ્દે અમેરિકાએ પાકિસ્તાનને ફટકાર લગાવી હતી. ત્યારે પણ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સામે ચેતવણી ઉચ્ચારી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, હાફિઝ સઈદના જેલમાંથી છુટવાની કિંમત બન્ને દેશોના દ્વિપક્ષીય સંબંધો ઉપર પડી શકે છે.