વોશિંગ્ટનમાં એમટ્રેક ટ્રેન પાટા પરથી ખડી પડી; 3નાં મરણ, 50થી વધુ ઘાયલ

વોશિંગ્ટન – સીએટલની દક્ષિણે લગભગ 64 કિલોમીટરના અંતરે એમટ્રેક કંપનીની એક ટ્રેનના ડબ્બાઓ ગઈ કાલે એક બ્રિજ પર પાટા પરથી ખડી પડી નીચેના હાઈવે પર પડતાં ત્રણ જણનાં મરણ નિપજ્યા છે અને બીજાં 50 જેટલાને ઈજા પહોંચતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાટા પરથી ખડી પડેલા ડબ્બાઓ બાજુના રસ્તા પર જઈને પડ્યા હતા.

એક અહેવાલ મુજબ, લગભગ 100 જણને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

એમટ્રેક ટ્રેન વોશિંગ્ટનના ડ્યૂપોન્ટ નજીક પાટા પરથી ખડી પડી હતી.

એમટ્રેકના પ્રવક્તાએ કહ્યું કે ટ્રેન એક ઓવરપાસ નજીક ઉથલી પડી હતી અને તેના ડબ્બા નીચે ઈન્ટરસ્ટેટ-5 રસ્તા પર જતા વાહનો પર પડ્યા હતા. પરિણામે કેટલાક લોકોનાં મરણ થયા છે અને બીજાં ઘણાયને ઈજા થઈ છે.

ટ્રેનમાં 77 પ્રવાસીઓ અને સાત કર્મચારીઓ હતા.

નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે આ ઘટનામાં તપાસ શરૂ કરી દીધી છે.