‘વાનાક્રાઈ’ સાઈબર હુમલા પાછળ ઉત્તર કોરિયાનો હાથ: વ્હાઈટ હાઉસ

વોશિંગ્ટન- વ્હાઈટ હાઉસના હોમલેન્ડ સુરક્ષા સલાહકાર ટોમ બોસર્ટે જણાવ્યું કે, અમેરિકાનું માનવું છે કે, મે-2017માં અમેરિકામાં કરવામાં આવેલા સાઈબર અટેક વાનાક્રાઈ માટે ઉત્તર કોરિયા જવાબદાર છે.

બોસર્ટે અમેરિકાના અખબાર વોલસ્ટ્રીટ જર્નલમાં લખેલા એક લેખમાં જણાવ્યું કે, સફળતાપૂર્વક પુરી કરવામાં આવેલી તપાસ બાદ અમેરિકા સાર્વજનિકરુપે એ નિર્ણય ઉપર પહોંચ્યું છે કે, મે-2017માં અમેરિકા ઉપર કરવામાં આવેલા સાઈબર અટેક વાનાક્રાઈ માટે ઉત્તર કોરિયા જવાબદાર છે.

એક ખાનગી અંગ્રેજી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં બોસર્ટે જણાવ્યું કે, આ હુમલો સમગ્ર વિશ્વમાં કરવામાં આવ્યો હતો. આ સાયબર હુમલાથી વિશ્વના મોટાભાગના દેશ પ્રભાવિત થયા હતા. જેના લીધે કરોડો રુપિયાનું નુકસાન પણ થયું હતું. જેના માટે અમેરિકા માત્ર ઉત્તર કોરિયાને જ જવાબદાર માને છે.

ટોમ બોસર્ટે કહ્યું કે, અમેરિકા ઉત્તર કોરિયાને જવાબદાર ગણાવી રહ્યું છે અને તેના માટે અમેરિકા પાસે પુરતા પુરાવાઓ અને યોગ્ય સાક્ષીઓ પણ છે. આ ઉપરાંત બ્રિટન અને માઈક્રોસોફ્ટ પણ આ સાઈબર હુમલાના વિશ્લેષણ બાદ એકસમાન તારણ ઉપર પહોંચ્યા છે કે, ઉત્તર કોરિયા આ સાઈબર હુમલા માટે જવાબદાર છે.

એક ખાનગી અંગ્રેજી સમાચાર ચેનલે જૂન-2017માં જણાવ્યું હતું કે, બ્રિટનની જાસુસી સંસ્થાને વિશ્વાસ હતો કે, ઉત્તર કોરિયા અથવા આ સાથે જોડાયેલા કોઈ સમુહ વાનાક્રાઈ સાઈબર અટેક માટે જવાબદાર છે.