હાફિઝ સઈદના રાજકારણમાં આવવાને લઈને અમેરિકાએ વ્યક્ત કરી ચિંતા

વોશિંગ્ટન- પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદે વર્ષ 2018માં પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જેને લઈને અમેરિકાના ટ્રમ્પ પ્રસાશને ચિંતા વ્યક્ત કરી છે. આ અંગેની માહિતી ટ્રમ્પ પ્રસાશનના એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી.

આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાનો પ્રમુખ અને લશ્કર-એ-તૈયબાનો સંસ્થાપક હાફિઝ સઈદ આ પહેલા પણ એ અંગેની જાણકારી આપી ચુક્યો છે કે, તે વર્ષ 2018માં યોજાનારી પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી લડીને રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. જોકે આ અંગે હાફિઝ સઈદે પાકિસ્તાનના ચૂંટણી પંચમાં કોઈ નોંધણી કરાવી નથી.

અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા હીથર નોર્ટે જણાવ્યું કે, નવેમ્બર-2017માં પાકિસ્તાન સરકારે હાફિઝને નજર કેદમાંથી છોડ્યો હતો. જેને લઈને પણ અમેરિકાએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. હાફિઝ સઈદ ભારતમાં પણ મોસ્ટ વોન્ટેડ આરોપી છે અને મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે. હાફિઝના આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાને અમેરિકા પહેલેથી જ આતંકી સંગઠન માનતું આવ્યું છે.

હીથર નોર્ટે જણાવ્યું કે, હાફિઝ મુદ્દે અમારી અનેકવાર પાકિસ્તાન સરકાર સાથે વાતચીત થઈ ચુકી છે. અને હવે હાફિઝ સઈદ પાકિસ્તાનમાં ચૂંટણી લડીને રાજકારણમાં પ્રવેશવા વિચારી રહ્યો છે, જેને લઈને પણ અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી છે.

આતંકી ગતિવિધિમાં જોડાયેલા હોવાને કારણે અમેરિકાએ હાફિઝ સઈદ ઉપર એક કરોડ ડોલરનું ઈનામ પણ જાહેર કર્યું છે. આપને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ઘણો સમય નજરબંધ રહ્યાં બાદ પાકિસ્તાન સરકારે તેને નવેમ્બરમાં કેદ મુક્ત કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને અમેરિકાએ પહેલેથી જ હાફિઝ સઈદને વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે.