કરાચીઃ ભારત સરકારે જેને મોસ્ટ વોન્ટેડ ગુનેગાર તરીકે ઘોષિત કર્યો છે તે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને આરોગ્યને લગતા મોટા કારણસર કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, એવું સૂત્રોનું કહેવું છે. એવી અફવા છે કે એને ઝેર આપવામાં આવ્યું છે, પરંતુ આ સમાચારને હજી સુધી પુષ્ટિ મળી નથી. દાઉદ બે દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કહેવાય છે કે, કોઈક અજ્ઞાત વ્યક્તિએ દાઉદને ઝેર આપ્યું હતું અને તેને કારણે દાઉદની તબિયત બગડી ગઈ છે. હોસ્પિટલના આખા માળ પર દાઉદ એકમાત્ર દર્દી છે. હોસ્પિટલમાં સુરક્ષાનો અત્યંત કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તે માળ પર માત્ર હોસ્પિટલના ટોચના અધિકારીઓ, સભ્યો તથા દાઉદના નિકટના પરિવારજનોને જ જવાની છૂટ છે. કહેવાય છે કે દાઉદને ઝેર અપાયાના સમાચાર વહેતા થતાં પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. કરાચી, લાહોર, ઈસ્લામાબાદ સહિતના ઘણા મોટા શહેરોમાં ઈન્ટરનેટ સેવાઓ ખોરવાઈ ગઈ છે. X, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ બંધ છે. ઈન્ટરનેટની સ્પીડ રાતે 8 વાગ્યાથી ધીમી કરી દેવામાં આવે છે.
મુંબઈના 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના કેસમાં દાઉદને માસ્ટરમાઈન્ડ તરીકે ઘોષિત કરાયો છે. દાઉદ પહેલા મુંબઈમાં રહેતો હતો, પણ ગુનાખોરીમાં એની સંડોવણી થતાં એ પાકિસ્તાન ભાગી ગયો હતો. દાયકાઓથી એ ત્યાં જ રહે છે. કહેવાય છે કે, કરાચીનું એરપોર્ટ દાઉદ અને તેના ગાઢ સાગરિતોના નિયંત્રણ હેઠળ છે.