વોશિંગ્ટનઃ કોરોના વાઈરસ સામેની લડાઈઃ અમેરિકાએ ભારત માટે 29 લાખ ડોલરની નાણાકીય સહાય જાહેર કરી. અન્ય દેશોને 17 કરોડ 40 ડોલરની સહાયતા કરશે.
ભયાનક કોરોના વાઈરસ સામે લડવા માટે અમેરિકાએ દુનિયાના ઘણા દેશોને પોતાના તરફથી નાણાકીય સહાય જાહેર કરી છે. ભારતને એ 29 લાખ ડોલરની સહાય કરશે.
કુલ 64 દેશો માટે અમેરિકાએ 17 કરોડ 40 લાખ ડોલરની સહાયતા જાહેર કરી છે.
અમેરિકાએ ગયા ફેબ્રુઆરીએ જાહેર કરેલી 10 કરોડ ડોલરની સહાયતાની ઉપરાંતની આ સહાયતા છે.
જે દેશો કોરોના વાઈરસ રોગચાળાના સૌથી વધારે જોખમમાં મૂકાઈ ગયા છે ખાસ એમને માટે આ ભંડોળ છે.
અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું છે કે લેબોરેટરી સિસ્ટમ્સ તૈયાર કરવા, કોરોનાનાં કેસ શોધવા માટેની તપાસ યંત્રણાને એક્ટિવેટ કરવા તથા પ્રતિસાદ અને સજ્જતા માટે સપોર્ટ ટેકનિકલ નિષ્ણાતો પૂરા પાડવા માટે ભારત સરકારને મદદરૂપ થવા માટે અમેરિકા 29 લાખ ડોલર પૂરા પાડશે.
અમેરિકાએ કોરોના વાઈરસ સામે લડવા માટે શ્રીલંકાને 13 લાખ ડોલર, નેપાળને 18 લાખ ડોલર, બાંગ્લાદેશને 34 લાખ ડોલર અને અફઘાનિસ્તાનને 50 લાખ ડોલરની સહાયતા જાહેર કરી છે.
યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટના નાયબ વહીવટકાર બોની ગ્લિકે કહ્યું કે છેલ્લા અનેક દાયકાઓથી અમેરિકા દુનિયાના દેશોને જાહેર આરોગ્યની સંભાળ લેવા માટે આર્થિક મદદ કરતું આવ્યું છે. આમ કરીને અમેરિકાએ અનેક લોકોનાં જાન બચાવ્યા છે, અનેક લોકોને રક્ષણ પૂરું પાડ્યું છે, આરોગ્ય સંસ્થાઓનું નિર્માણ કરાવ્યું છે અને સમાજો તથા દેશોની સ્થિરતા જાળવવામાં મદદ કરી છે.