જિનિવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અધિકારીઓએ ચેતવણી આપી છે કે વિશ્વભરની સરકારોના તમામ ઉપાયો છતાં કોરોના રોગચાળો બહુ ઝડપથી પ્રસરી રહ્યો છે. આટલું જ નહીં, કોરોના રોગચાળો એક મોટું સંકટ બની રહ્યો છે. આવનારાં સપ્તાહોમાં વિશ્વમાં કોરોના વાઇરસને લીધે મૃતકોની સંખ્યામાં ઝડપથી વધારો થશે, એમ WHO કહ્યું હતું.
WHOની કોવિડ-19 રિસ્પોન્સ ટીમની ટેક્નિકલ બાબતોની પ્રમુખ મારિયા વાન કેખોવે જિનિવામાં સોમવારે એક ચર્ચા દરમ્યાન એ ચેતવણી આપી હતી કે વિશ્વભરમાં કોરોના વાઇરસના સંક્રમણના નવા કેસોની સંખ્યા ગણી વધી ગઈ છે, જેથી અધિકારીઓની ચિંતા વધી ગઈ છે.
વિશ્વમાં કોરોનાના 13.58 કરોડ કેસો
ગયા સપ્તાહે કોરોના વાઇરસના 44 લાખ નવા કેસ નોંધાયા છે. આ એ સ્થિતિ જેની અમે કલ્પના 16 મહિના પછી નહોતા કરી રહ્યા, જેથી અમે એને નિયંત્રિત કરવા માટે પગલાં ઉઠાવ્યાં છે. હાલ એવો સમય છે, જ્યાં દરેક વ્યક્તિએ સજાગ રહેવાની અને તપાસ કરાવવાની જરૂર છે. ગયા સપ્તાહે વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસોમાં નવ ટકાનો વધારો થયો હતો, જ્યારે મૃતકોની સંખ્યામાં પાંચ ટકાનો વધારો નોંધાયો હતો. વિશ્વમાં કોરોના વાઇરસના કુલ કેસોની સંખ્યા વધીને 13.58 કરોડને પાર પહોંચી છે, જ્યારે 29.3 લાખથી વધુ લોકો આ રોગચાળામાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. વિશ્વમાં સૌથી વધુ 31,196,121 કેસો અને 5,62,064 લોકોના મોત સાથે અમેરિકા સૌથી પ્રભાવિત દેશ છે.જ્યારે કુલ મામલાની દ્રષ્ટિએ ભારત હવે બીજા ક્રમે છે. એ પછી બ્રાઝિલ ત્રીજા સ્થાને છે.