બીજિંગ/કોલંબોઃ ચીન અને શ્રીલંકાના પ્રમુખોએ એમનાં ભારતીય સમોવડિયાં અને ભારતનાં 15મા રાષ્ટ્રપતિ તરીકે આજે શપથ ગ્રહણ કરનાર દ્રૌપદી મુર્મુને અભિનંદન આપ્યા છે. ચીની પ્રમુખ શી જિનપિંગેએ દ્રૌપદી મુર્મુને એક અભિનંદન સંદેશો મોકલ્યો છે જેમાં એમણે કહ્યું છે કે પોતે ચીન-ભારત સંબંધોને ખૂબ મહત્ત્વ આપે છે અને આ દ્વિપક્ષીય સંંબંધોને સાચી દિશામાં આગળ વધારવા ઈચ્છે છે. ચીન અને ભારત એકબીજા માટે મહત્ત્વના પડોશી દેશ છે. બંને વચ્ચે તંદુરસ્ત અને સ્થિર સંબંધો બંને દેશ અને એમની જનતાનાં મૂળભૂત હિતોને અનુકૂળ રહે તેમજ દક્ષિણ-પૂર્વ એશિયા વિસ્તાર તેમજ સમગ્ર વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને વિકાસને સુસંગત રહે એ મહત્ત્વનું છે.
શ્રીલંકાના પ્રમુખ રાનિલ વિક્રમસિંઘેએ એક નિવેદનમાં કહ્યું છે કે, ‘દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશની આ પ્રમુખ જવાબદારી માટે તમારી નિમણૂક સરકાર તથા જનતાએ આપની ક્ષમતા અને રાજકીય કૌશલ્યમાં દર્શાવેલા વિશ્વાસની સાબિતી છે. ભારત અને શ્રીલંકા દીર્ઘકાળથી મધુર સંબંધો ધરાવે છે. મને એ વાતનો આનંદ છે કે આપણે જેમાં સહભાગી છીએ તે વ્યૂહાત્મક હિતના ક્ષેત્રોમાં કાયમ વધતા રહેતા સહયોગ અને સહકારના માધ્યમથી બંને દેશ વચ્ચેની મિત્રતા મજબૂત બનવાનું ચાલુ જ રહેશે. બંને દેશનાં સુમેળભર્યા સંબંધોને વધારે મજબૂત બનાવવા માટે હું આપની સાથે મળીને કાર્ય કરવા ઉત્સુક છું.’
ઉલ્લેખનીય છે કે, 1948માં આઝાદી મેળવ્યા બાદ શ્રીલંકા હાલ અત્યંત ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. એને આ સંકટના સમયમાં ભારત તરફથી બીજી કોઈ પણ દેશ કરતાં ખૂબ મોટી સહાયતા પ્રાપ્ત થઈ છે. ભારતે શ્રીલંકાને અન્ન, ઔષધો અને ખાતર સહિતની આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવા ઉપરાંત આ વર્ષના જાન્યુઆરીથી 3.5 અબજ ડોલરની આર્થિક સહાયતા કરી છે.
શાસક ભાજપ-એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ઓડિશાનાં આદિવાસી સમાજમાંથી આવે છે. તેઓ ઝારખંડનાં ભૂતપૂર્વ રાજ્યપાલ છે. ભારતનાં તેઓ દ્વિતીય મહિલા રાષ્ટ્રપતિ અને પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ છે.