ચીનના સરકારી માળખામાં બદલાવ, મિસાઈલ મેનને બનાવાયા રક્ષાપ્રધાન

બિજીંગ- ચીનમાં શી જિનપિંગના આજીવન પ્રેસિડેન્ટ બનવાનો રસ્તો સ્પષ્ટ થયા બાદ હવે ચીનમાં સરકારી માળખામાં મોટાપાયે બદલાવ કરવામાં આવ્યા છે. નવા ચાર ડેપ્યુટી પીએમની નિમણૂંક કરવામાં આવી છે. ઉપરાંત એક નવા રક્ષાપ્રધાનની પણ નિમણૂંક કરવામાં આવી છે. આ સિવાય આશરે 24 જેટલા પ્રધાનોના ખાતાના વિભાગોમાં બદલાવ કરવામાં આવ્યા છે.નવા ફેરબદલને ચીનના નેશનલ પીપલ્સ કોંગ્રેસની (NPC) મંજૂરી મળી ગઈ છે. નવી વ્યવસ્થા પ્રમાણે હાન ઝેંગ, સુન છુનલાન, હૂ ચુનહુઆ અને લિઉ હેને ચીનના નવા ડેપ્યુટી પીએમ નરીકે નિમણૂંક કરવામાં આવી છે.

મિસાઈલ મેન બન્યા રક્ષાપ્રધાન

સુરક્ષાના દ્રષ્ટિકોણથી જોઈએ તો, રક્ષાપ્રધાનનું પદ મહત્વનું માનવામાં આવે છે. ચીનના નવા માળખા મુજબ રક્ષાપ્રધાનના પદ માટે લેફ્ટનેન્ટ જનરલ વેઈ ફેન્ધેની નિમણૂંક કરવામાં આવી છે. વેઈ ફેન્ધે ચીનમાં મિસાઈલ મેન તરીકે જાણીતા છે. ચીનની સેનાને આધુનિક બનાવવા અને તેના પુન:સંગઠન કરવાનો શ્રેય વેઈ ફેન્ધેને જાય છે. ચીનની ટેક્ટિકલ મિસાઈલ ફોર્સને રોકેટ ફોર્સ અને ટેક્ટિકલ સપોર્ટ એમ બે ભાગમાં વહેંચવામાં વેઈ ફેન્ધેની ભૂમિકા મહત્વની છે.

ચીનમાં થઈ રહેલા આ બદલાવને પ્રેસિડેન્ટ શી જિનપિંગના મજબૂત થઈ રહેલા કદ તરીકે જોવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે જિનપિંગને ફરીવાર આગામી પાંચ વર્ષ માટે ચીનના પ્રેસિડેન્ટ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જોકે ચીનના બંધારણમાં બદલાવ અને તેમાં સંશોધન કરીને જિનપિંગના આજીવન પ્રેસિડેન્ટ બનવાનો માર્ગ પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય જિનપિંગના નજીકના સહયોગી અને ભ્રષ્ટાચાર નિરોધક બ્યૂરોના પ્રમુખ વાંગ ક્વિશાનને ઉપરાષ્ટ્રપતિ પદે ચૂંટવામાં આવ્યા છે.