અમેરિકા અને દક્ષિણ કોરિયા કરશે આગામી મહિને સંયુક્ત સૈન્યઅભ્યાસ

વોશિંગ્ટન- આગામી મહિને અમેરિકા અને દક્ષિણ કોરિયા તેમનો વાર્ષિક સંયુક્ત સૈન્ય અભ્યાસ કરશે. આ અંગે માહિતી આપતા બન્ને દેશોના પ્રવક્તાઓએ જણાવ્યું કે, ‘અમારા સંયુક્ત સૈન્યઅભ્યાસનો ઉદ્દેશ્ય આત્મરક્ષા છે. જેથી ઉત્તર કોરિયા નિશ્ચિંત રહે અને અમારી કાર્યવાહીને ઉશ્કેરણીજનક કૃત્ય ગણવું નહીં’.અમેરિકાના રક્ષાવિભાગ પેન્ટાગને જણાવ્યું કે, ઉત્તર કોરિયાને દક્ષિણ કોરિયા સાથે યોજાનારા અમારા સૈન્ય અભ્યાસના પ્રકાર અને તેના સ્વરુપ વિશે પહેલેથી જ માહિતગાર કરી દેવામાં આવ્યું છે જેથી ચિંતાનું કોઈ જ કારણ નથી.

આપને જણાવી દઈએ કે, હજારો સૈનિકો સાથે મોટાપાયે યોજાનારા આ યુદ્ધઅભ્યાસને કારણે કોરિયાઈ ટાપુના બન્ને દેશો વચ્ચે તણાવનો માહોલ સર્જાય છે. મહત્વનું છે કે, ઉત્તર કોરિયા આ સૈન્ય અભ્યાસને પોતાના દેશ ઉપર સૈન્ય કાર્યવાહીના રુપે જોવે છે અને સંયુક્ત સૈન્ય અભ્યાસની નિંદા કરતું રહ્યું છે.

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની શિખર વાર્તાની તૈયારી સાથે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, આ શિખર વાર્તામાં કોઈ અવરોધ આવે નહીં તે માટે આ વર્ષે અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે યોજાનારા સંયુક્ત સૈન્યઅભ્યાસનું સ્વરુપ ઘટાડવામાં આવી શકે છે.

જોકે આ ઘટનાક્રમ વચ્ચે અમેરિકા અને દક્ષિણ કોરિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, બન્ને દેશો વચ્ચેનો સંયુક્ત સૈન્યઅભ્યાસ આગામી એક એપ્રિલથી શરુ થશે અને તેમાં કોઈ પણ પ્રકારનો કાપ મુક્યા વગર અગાઉ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચાલશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]