બેજિંગઃ ચીનમાં કોરોના કોરોના વાયરસે અનેક લોકોના જીવને ભરખી લીધો છે. અત્યાર સુધીમાં કુલ 550 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોના વાયરસને લઈને સૌથી પહેલા વિશ્વને ચેતવણી આપનાર ચીની ડોક્ટર લી વેનલિયાન્ગનું નિધન થઈ ગયું છે. ડોક્ટર લી વેનલિયાન્ગનું મોત કોરોના વાયરસના સંક્રમણને કારણે થયું છે. જ્યારે ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસના સમાચાર છૂપાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો, ત્યારે ડોક્ટર લી વેનલિયાન્ગે હોસ્પિટલમાંથી એક વિડીયો પોસ્ટ કરીને કોરોના વાયરસને લઈને લોકોને ચેતવ્યા હતા.
ત્યારબાદ ચીનના સ્થાનીક સ્વાસ્થ્ય વિભાગે 34 વર્ષીય ડોક્ટર લી વેનલિયાન્ગની પૂછપરછ કરી હતી. એટલું જ નહીં, વુહાન પોલીસે ડોક્ટર લી વેનલિયાન્ગને નોટિસ પણ પાઠવી હતી અને તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી અફવા ફેલાવવાના આરોપી બનાવવામાં આવ્યા હતા. કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા બાદ ડોક્ટર લી વેનલિયાન્ગએ 12 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેઓ એક દર્દીના સંપર્કમાં આવ્યા બાદ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા.
ડોક્ટર લી વેનલિયાન્ગે પાછલા વર્ષે 30 ડિસેમ્બે એક ચેટ ગ્રુપમાં પોતાના સાથી ડોક્ટરોને સંદેશ મોકલ્યો હતો અને આ વાયરસના ખતરા વિશે જણાવ્યું હતું. ડોક્ટર લી વેનલિયાન્ગે પોતાના સાથી ડોક્ટરોને ચેતવણી આપી હતી કે તે આ વાયરસથી બચવા માટે ખાસ પ્રકારના કપડા પહેરે.
ઉલ્લેખનીય છે કે ચીનમાં કોરોના વારસનો વ્યાપ ધારણા કરતા વધુ ઝડપથી પ્રસરી રહ્યો છે. અત્યાર સુધી સત્તાવાર રીતે કુલ ૫૬૩નાં મોત થયાં છે અને ૨૮,૦૧૮થી વધુ લોકોને ચેપ લાગતા પ્રભાવિત થયા છે. બુધવારે એક જ દિવસમાં ૭૩ લોકો કોરોનાને ભરખી જતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના જણાવ્યા મુજબ દેશના ૩૧ પ્રાંતમાં ૩,૬૯૪ નવા કેસ નોંધાયા છે.
બુધવારે જે ૭૩નાં મોત થયાં તેમાં ૭૦ તો હુબેઈ પ્રાંતના વુહાનના જ છે જ્યારે ટિયાનજિન, હેઈલોંગજિયાંગ અને ગુઈઝોઉમાં એક – એકનાં મોત થયા છે. કોરોનાના નવા ૩,૬૯૪ કેસમાંથી ૨,૯૮૭ એકલા હુબેઈ પ્રાંતના છે. બુધવારે કોરોનાથી સંક્રમિત ૬૪૦ દર્દીઓની હાલત ગંભીર હતી જ્યારે ૩,૮૫૯ લોકોની તબિયત ખૂબ જ ગંભીર હતી. કોરોના એક વ્યકિત બીજી વ્યકિતના સંપર્કમાં આવતા ફેલાતો હોવાથી ૨.૮૨ લોકોને તેની અસર થઈ હોવાનું જાણવા મળે છે જેમાંથી ૧.૮૬ લાખ લોકોને મેડિકલ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.