ચીન પોતાની સમ્પ્રભુતાની રક્ષા કરશે, એક ઈંચ જમીન પણ જતી નહીં કરે: જિનપિંગ

બિજીંગ- ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગે જણાવ્યું છે કે, ચીન તેની એક ઈંચ જમીન પણ જતી નહીં કરે. અને પોતાની સમ્પ્રભુતાની રક્ષા કોઈપણ ભોગે કરશે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે ચીનના વર્ષો જૂના બંધારણમાં બદલાવ કરવામાં આવ્યો છે, જેથી હવે જિનપિંગ પોતે ઈચ્છે ત્યાં સુધી ચીનના પ્રેસિડેન્ટ પદ ઉપર રહી શકે છે. ભારત સાથે સરહદી વિવાદ ઉપરાંત ચીન પૂર્વ ચીન સાગરના ટાપુ પ્રદેશ ઉપર પણ પોતાનો અધિકાર જણાવી રહ્યું છે, આ ક્ષેત્ર જાપાનના પ્રશાશન વિસ્તારમાં આવે છે.આ ઉપરાંત દક્ષિણ ચીન સાગરમાં પણ નિયંત્રણને લઈને વિયેતનામ, ફિલીપિન્સ, મલેશિયા, બ્રૂનેઈ અને તાઈવાન સાથે ચીનનો વિવાદ ચાલી રહ્યો છે. ચીનના સંસદના 18 દિવસ ચાલેલા સત્રના અંતિમ દિવસે પોતાના 30 મિનિટના ભાષણમાં જિનપિંગે કહ્યું કે, ‘ચીનના લોકોનો દ્રઢ સંકલ્પ છે કે, ચીનની એક ઈંચ જમીન પણ અમે જતી નહીં કરીએ’.

સંસદના આ સત્ર દરમિયાન નેશનલ પીપલ્સ કોંગ્રેસે પોતાના સંવિધાનમાં સંશોધન કરીને પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ માટે બે કાર્યકાળની મહત્તમ સમયમર્યાદાની પરંપરાને સમાપ્ત કરી છે. આ સાથે જ જિનપિંગના આજીવન પ્રેસિડેન્ટ બની રહેવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે.

આપને જણાવી દઈએ કે, સંસદના સત્ર દરમિયાન 2 હજાર 970 સાંસદોએ પ્રેસિડેન્ટ પદ અને સેના પ્રમુખ તરીકે બીજી ટર્મ માટે જિનપિંગની વરણી કરી હતી. ગત વર્ષ ઓક્ટોબર મહિનામાં જ સતત બીજી વખત ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ પદે જિનપિંગને ચૂંટવામાં આવ્યા હતા. પાર્ટી અને સેના પ્રમુખની સાથે હવે જિનપિંગના ચીનના પ્રેસિડેન્ટ પદે રહેવાનો રસ્તો સ્પષ્ટ થયા બાદ જિનપિંગ CPCના સંસ્થાપક નેતા માઓ ત્સે તુંગ બાદ દેશના સૌથી શક્તિશાળી નેતા બની ગયા છે.