નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપતા કહ્યું કે, દુનિયાના દેશોએ કોરોના વાયરસના સંકટને ગંભીરતાથી લીધું નથી. સંગઠને કહ્યું કે, આખા યૂરોપમાં અને અમેરિકામાં આ બીમારીનો પ્રકોપ વધી ગયો છે. આ દેશોમાં સારવાર કરતા ડોક્ટર્સે હોસ્પિટલની તૈયારીઓ પર અસંતોષ વ્યક્ત કર્યો છે. સંગઠને કહ્યું છે કે, દુનિયાના દેશોને આ સંકટને એક મોક ડ્રિલના રુપમાં ન લેવું જોઈએ પરંતુ આ મામલે ગંભીરતાથી પગલા ભરવા જોઈએ.
સંગઠને દુનિયાભરના દેશોને આગ્રહ કર્યો છે કે કોરોનાના ચેપને રોકવા માટે સફળ અને ડકડ પગલા ભરો. આ મામલે અત્યારે હજી પણ વધારે કામ કરવાની જરુર છે. સંગઠને કહ્યું કે, આ વાયરસથી 85 દેશોના 100,000 લોકો સંક્રમિત છે. આ બીમારીથી અત્યારસુધીમાં 3300 થી વધારે લોકોના મોત થયા છે. વૈશ્વિક બજારની અર્થવ્યવસ્થા પર આના પડનારા પ્રભાવ પર પણ સંગઠને ધ્યાન આકર્ષિત કર્યું છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે, ઈટલી, ફ્રાંસ, ગ્રીસ અને ઈરાનમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. એક ક્રૂઝ શિપને કેલિફોર્નિયાના તટ પરથી દૂર રાખવામાં આવ્યું છે કે જેથી યાત્રીઓની તપાસ થઈ શકે. આ મહામારીએ આંતરરાષ્ટ્રીય વ્યાપાર, પર્યટન, રમત-ગમતના કાર્યક્રમો, સ્પોર્ટ્સ, અને શાળાઓ પર કહેર વરસાવ્યો છે. વિશ્વભરના આશરે ત્રીસ લાખ જેટલા વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. આને લઈને ઘણા ધાર્મિક કાર્યક્રમ પણ પ્રભાવિત થયા છે. વેટિકને કહ્યું કે, પોપ ફ્રાંસિસને પોતાનો કાર્યક્રમ બદલવો પડી શકે છે. બેથલહમને લોંકડાઉન અંતર્ગત રાખવામાં આવ્યું છે. સાઉદી અરબે આને નિષ્ફળ કરવા માટે મક્કામાં ઈસ્લામના સૌથી પવિત્ર સ્થળને ખાલી કરી દીધું છે.