બીજિંગઃ અમેરિકાની સંસદનાં સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતથી ભડકી ગયેલા ચીને તેની સામે દાયકાઓથી જંગે ચડેલા પૂર્વ એશિયાના ટચૂકડા દેશ તાઈવાનના સમુદ્રવિસ્તારમાં યુદ્ધાભ્યાસ શરૂ કરી દીધો છે. આજે તેણે પોતાની 11 સૌથી મોટી મિસાઈલોની અજમાયશ કરી હતી. છેલ્લા અનેક દાયકાઓમાં આ તેના સૌથી મોટા મિસાઈલ પરીક્ષણો છે. ચીન તાઈવાનને પોતાનો જ હિસ્સો માને છે જ્યારે તાઈવાન પોતાને સ્વયં-શાસિત દેશ માને છે. બંને વચ્ચે 73 વર્ષથી ટક્કર ચાલે છે. બંને વચ્ચેનું અંતર માંડ 100 માઈલ છે. ચીનના દક્ષિણ પૂર્વ સમુદ્રકાંઠાથી તાઈવાન ખૂબ નજીક છે. તાઈવાનની બાબતમાં કોઈ અન્ય દેશ હસ્તક્ષેપ કરે એ ચીનને પસંદ નથી. નેન્સી પેલોસી ચીનના વિરોધની અવગણના કરીને ટાપુ-રાષ્ટ્ર તાઈવાનની મુલાકાતે આવી ગયાં.
ચીનના લશ્કર પીપલ્સ લિબરેશન આર્મીએ આજે સ્થાનિક સમય મુજબ બપોરે 1.56થી સાંજે 4.00 વાગ્યાની વચ્ચે તાઈવાનના સમુદ્રની ઉત્તર, પૂર્વ અને દક્ષિણ, એમ ત્રણ બાજુએ 11 દોંગફેંગ બેલિસ્ટિક મિસાઈલોનું પરીક્ષણ કર્યું હતું. આ જાણકારી તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે આપી છે. તે મિસાઈલ ચીનની જમીન પરથી ફાયર કરવામાં આવ્યા હતા. એ તાઈવાનની ઉપરથી પસાર થયા તે હજી સુધી જાણવા મળ્યું નથી. ચીને અગાઉ ક્યારેય પણ તાઈવાનની ઉપરથી મિસાઈલ મોકલ્યા નથી.