ઋષિ સુનકે TV ડિબેટમાં લીઝ ટ્રસથી જીત મેળવી

લંડનઃ બ્રિટનમાં વડા પ્રધાનપદના ઉમેદવાર ઋષિ સુનકે સૌથી આગળ ચાલી રહેલા પ્રતિદ્વન્દ્વી લીઝ ટ્રસ સાથેની ટીવી ડિબેટમાં જીત હાંસલ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુનકની લીઝ ટ્રસ સાથે ટીવી ડિબેટ હતી. એ ચર્ચા કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો સામે થઈ હતી, જ્યારે કન્ઝર્વેટિવ સભ્યોને પૂછવામાં આવ્યું કે કયા નેતાની દલીલો વધુ પ્રભાવશાળી ને તર્કપૂર્ણ હતી. ત્યારે સભ્યોએ સુનકના સમર્થનમાં હાથ ઉપર કર્યો હતો. બીજી તરફ સ્કાય ન્યૂઝે ડિબેટમાં દર્શકોમાં બેઠેલા લોકોએ પણ સુનકને ટેકો આપ્યો હતો. આમ ઋષિ સુનકે લીઝ ટ્રસને માત આપી હતી.

બંને દાવેદારો દ્વારા 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર બોરિસ જોન્સનની જગ્યા લેવા માટે તર્ક આપવામાં આવ્યા હતા. આ ડિબેટ પછી કન્ઝર્વેટિવ સભ્યોની સલાહ લેવામાં આવી હતી. સુનકની આ જીતથી તેમના સમર્થકોમાં ખુશી વ્યાપી ગઈ હતી.

જોકે હાલ જનમત સર્વેક્ષણોમાં સુનક ટ્રસથી પાછળ ચાલી રહ્યા છે. છેલ્લા સર્વેક્ષણમાં ટોરી સભ્યોની વચ્ચે તેમને સુનકથી 32 પોઇન્ટ આગળ રાખવામાં આવ્યા હતા.  

ટીવી ડિબેટમાં બ્રિટનના ભૂતપૂર્વ નાણાપ્રધાન સુનક પોતાના મુદ્દાઓ પર અડગ રહ્યા હતા. તેમણે ટેક્સમાં કાપ મૂકતાં પહેલાં વધતી મોંઘવારી પર કાબૂ મેળવવા કહ્યું હતું. તેમણે આ આરોપોને ફગાવી દીધા હતા કે ટેક્સના બોજને કારણે મંદી છે. એ ખરેખર ખોટું છે. મંદીનું કારણ ફુગાવાનો દર છે. ટીવી ડિબેટમાં એન્કર ઋષિ સુનક અને લીઝ ટ્રસને અનેક મુદ્દે તીખા સવાલ કર્યા હતા.