જિનપિંગે ટ્રમ્પને ફોન પર કહ્યુંઃ જલ્દી આ મહામારીને હરાવીશું

નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે અને આ ખતરનાક વાયરસના કારણે અત્યાર સુધીમાં 640 જેટલા લોકોના મોત થયા છે. આ માહોલ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી પ્રમુખને ટેલિફોનિક વાતચીતમાં આશ્વાસન આપ્યું છે કે, ચીન કોરોના વાયરસને ખતમ કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક ફોન કોલમાં કહ્યું હતું કે, ચીન ધીરે-ધીરે પરિણામ સુધી પહોંચી રહ્યું છે અને જલ્દી જ આ મહામારીને હરાવી દેશે. 

દરમ્યાન, જાપાનની એક ક્રૂઝ પર સવાર અન્ય 41 જેટલા લોકોનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. અત્યાર સુધી આ ક્રૂઝ પર 61 મામલાઓ સામે આવ્યા છે. હજારો લોકોને કેબિનમાં બંધ કરી દેવામાં આવ્યા છે અને અત્યારે તેમનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

કોરોના વાયરસનો પ્રકોપ સહન કરી રહેલા ચીનમાંથી પોતાના લોકોને બચાવવા માટે અમેરિકાએ બે વિમાન ચીન મોકલ્યા છે. અમેરિકા સતત વુહાનથી પોતાના લોકોને બહાર લાવવા માટેના પ્રયત્નો કરી રહ્યું છે.