કોરોના વાયરસ ચીનમાં 495 જેટલા લોકોને ભરખી ગયોઃ WHO દ્વારા વૈશ્વિક કટોકટી જાહેર કરાઈ

બેજિંગઃ ચીનમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. ચીનમાં અત્યારે હજારો લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ચીને દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક દિવસમાં વાયરસના ચેપીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આમાં આશાઓ વધી અને અથાગ પ્રયત્નોના પરિણામે આ વાયરસને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. તો દેશમાં મૃતકોની સંખ્યા વધીને 495 જેટલી થઈ ગઈ છે. આમાં સૌથી ઓછી ઉંમરનો દર્દી માત્ર 30 કલાકનો છે. WHO દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ વિરુદ્ધ કોઈ પ્રભાવશાળી ઈલાજ નથી. આ સાથે જ તેમણે કહ્યું કે, દવા અથવા વેક્સિનના ટેસ્ટિંગમાં અને તેના વિકાસમાં ઘણા વર્ષો લાગી જાય છે.

ચીનમાં ઘાતક કોરોના વાયરસથી મૃતકઆંક 495 થઈ ગયો છે અને 24,324 જેટલા કેસ નોંધાયા છે. બીજા દેશોમાં વાયરસના કેસની સંખ્યા 182 થઈ ગઈ છે. ફિલીપીનમાં પ્રથમ મોતનો મામલો સામે આવ્યો જ્યારે હોંગકોંગે રવિવારના રોજ એક વ્યક્તિના મોતની પુષ્ટી કરી છે.

ચીનમાં કોરોના પીડિતોમાં 30 કલાકના એક નવજાતનો પણ સમાવેશ થાય છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, તેઓ વર્ટિકલ ટ્રાંસમિશનનો મામલો હોઈ શકે છે જેમાં સંક્રમિત માંથી બાળકમાં ગર્ભાવસ્થા દરમિયાન અથવા જન્મ બાદ ચેપ ફેલાય છે. બાળકને જન્મ દેતા પહેલા માતાના તપાસ રિપોર્ટમાં ચેપનો ખુલાસો થયો હતો.

આ વચ્ચે કોરોના વાયરસની સામે લડવા માટે ચીને 10 દિવસની અંદર 1000 બેડ વાળી હોસ્પિટલ બનાવીને તૈયાર કરી લીધી છે. જ્યારે 1300 બેડવાળી બીજી હોસ્પિટલ બુધવારે બનીને તૈયાર થઈ જશે. દિવસેને દિવસે ચીનમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. 1.4 અબજની વસ્તી વાળી ચીનમાં કોરોના સામે લડવા માટે મેડિકલ સાધનોની કમી આવી ગઈ છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનઇંગે કહ્યું, ચીનમાં મેડિકલ ઉપકરણોની કમી થઈ ગઈ છે. ચીનને તત્કાલ પ્રભાવથી મેડિકલ માસ્ક, મેડિકલ ગાઉન અને સુરક્ષા ગોગલ્સની જરૂર છે.ત્યાંના ઉદ્યોગ મંત્રાલય પ્રમાણે ચીનમાં સામાન્ય પરિસ્થિતિઓમાં દરરોજ 20 મિલિયન માસ્કનું ઉત્પાદન થાય છે, પરંતુ કોરોનાના કહેરને કારણે ફેક્ટ્રીઓ આજકાલ 60થી 70 ટકા ઉત્પાદન કરી રહી છે. પરંતુ ચીનને સાઉથ કોરિયા, જાપાન, કઝાકિસ્તાન અને હંગરીએ માસ્ક મોકલ્યા છે.

૨૮ દેશોમાં કોરોના વાઇરસનો ચેપ ફેલાયો છે અને ૨૦ દેશોમાં ચેપના કન્ફર્મ કેસ નોંધાતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોના વાઇરસને વૈશ્વિક કટોકટી જાહેર કરી છે. આના પગલે અનેક દેશોએ ચીનનો પ્રવાસ કરવા માટે પ્રતિબંધો મૂકી દીધા છે અને ચીન જતી કે આવતી ફ્લાઇટો રદ કરી દીધી છે.