બીજિંગઃ ચીનમાં ટ્વિટર, ફેસબુક જેવા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પહેલેથી જ પ્રતિબંધિત છે અને હવે બ્રિટનસ્થિત બીબીસી ન્યૂઝ ચેનલના પ્રસારણ ઉપર પણ ચીની સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. ચીનની સત્તાવાર સમાચાર સંસ્થા શિનહુઆના અહેવાલ અનુસાર, ચીનની બ્રોડકાસ્ટિંગ રેગ્યૂલેટર એજન્સી (નેશનલ રેડિયો એન્ડ ટેલિવિઝન એડમિનિસ્ટ્રેશન)એ કહ્યું છે કે બીબીસી વર્લ્ડ ન્યૂઝે ચીન સંબંધિત અહેવાલો આપવામાં ચીનના રેડિયો-ટેલિવિઝન સંચાલનને લગતા નિયમો તેમજ દરિયાપારના સેટેલાઈટ ટેલિવિઝન ચેનલ મેનેજમેન્ટ નિયમોનું ગંભીરપણે ઉલ્લંઘન કર્યું છે. તે ચીનના રાષ્ટ્રીય હિતો અને વંશીય એકતાની વિરુદ્ધમાં છે. તેથી બીબીસી વર્લ્ડ સર્વિસને ચીનમાંથી પ્રસારણ કરવા દેવામાં નહીં આવે.
ઉલ્લેખનીય છે કે, બ્રિટનની કમ્યુનિકેશન રેગ્યૂલેટર એજન્સીએ ગયા અઠવાડિયે ચીનના સરકાર હસ્તકના રાષ્ટ્રીય ટેલિવિઝન નેટવર્ક CTGNનું બ્રિટનમાંનું બ્રોડકાસ્ટ લાઈસન્સ રદ કર્યું હતું. તેના વળતા પગલામાં ચીને બીબીસી વર્લ્ડ સર્વિસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. બીબીસી તરફથી જણાવાયું છે કે ચીન દ્વારા આ બદલાની કાર્યવાહી છે. અમે તો દુનિયાના સૌથી ભરોસાપાત્ર ન્યૂઝ બ્રોડકાસ્ટર છીએ અને નિષ્પક્ષ તથા નિર્ભય રીતે સમાચારો-સામગ્રી લોકો સમક્ષ રજૂ કરીએ છીએ.