સાઉદી અરેબિયાના વિઝા નિયમોમાં ફેરફાર, 14 દેશો પર અસર

સાઉદી અરેબિયાએ તેના વિઝા આપવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ નિયમ ફેરફારનો નિર્ણય 1લી ફેબ્રુઆરીથી લાગૂ થઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે વિઝાના નિયમોમાં ફેરફાર ભારત સહિત 14 દેશો પર અસર કરશે. સૂત્રોના હવાલે જાણવા મળતી માહિતી પ્રમાણે દેશોમાં આવતા મુસાફરોને ફક્ત સિંગલ એન્ટ્રી વિઝા જ મળશે. જેથી લાંબા ગાળાના વિઝા સાથે અનધિકૃત રીતે હજ કરી શકાશે નહીં. ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયાના મલ્ટીપલ એન્ટ્રી વિઝા ધરાવતા લોકો હજ દરમિયાન હજ પરમિટ વિના ગેરકાયદે હજ કરે છે. જેના પર નિયંત્રણ લાવવા માટે આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ગેરકાયદે હજ કરવાથી પવિત્ર શહેર મક્કામાં ભીડ વધી જાય છે.

સિંગલ એન્ટ્રી વિઝા વ્યક્તિને ફક્ત એક જ વાર દેશમાં પ્રવેશવાની મંજૂરી આપે છે, જ્યારે મલ્ટીપલ એન્ટ્રી વિઝા એ લાંબા ગાળાના વિઝા છે જે વિઝા ધારકને તે દેશની ઘણી વખત મુલાકાત લેવાની મંજૂરી આપે છે. આ નિર્ણય માત્ર ભારત માટેનથી પરંતુ ભારત સહિત 14 દેશો આ નિર્ણયથી પ્રભાવિત થશે. જેમાં અલ્જેરિયા, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, ઇરાક, જોર્ડન, મોરોક્કો, નાઇજીરીયા, પાકિસ્તાન, સુદાન, ટ્યુનિશિયા અને યમનનો સમાવેશ થાય છે. સાઉદી અરેબિયાએ તેના વિઝા નિયમોમાં ફેરફારના ભાગ રૂપે, પર્યટન, વ્યવસાય અને પરિવારની મુલાકાત લેવા માટે આ દેશોમાંથી આવતા લોકો માટે એક વર્ષના મલ્ટીપલ-એન્ટ્રી વિઝા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધા છે. બદલાયેલા નિયમો અનુસાર, અસરગ્રસ્ત દેશોમાંથી આવતા પ્રવાસીઓ ફક્ત સિંગલ એન્ટ્રી વિઝા માટે અરજી કરી શકે છે. આ વિઝા 30 દિવસ માટે માન્ય રહેશે અને પ્રવાસીઓ સાઉદીમાં વધુમાં વધુ 30 દિવસ રહી શકશે. જોકે, આ ફેરફારથી હજ, ઉમરાહ, રાજદ્વારી અને રહેઠાણ વિઝા પ્રભાવિત થશે નહીં. મિડીયા રીપોર્ટ પ્રમાણે સાઉદી અધિકારીઓનું કહેવું છે કે મલ્ટી વિઝા એન્ટ્રીઓનો દુરુપયોગ થઈ રહ્યો હતો. કેટલાક મુસાફરો લાંબા ગાળાના વિઝા પર દેશમાં આવી રહ્યા હતા અને બાદમાં હજ કરવા અથવા સાઉદી અરેબિયામાં કામ કરવા માટે અનધિકૃત સમયગાળા માટે રોકાઈ રહ્યા હતા. હજ દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે સાઉદી અરેબિયા કડક પગલાં લેવાયા છે. આ માટે તેણે દરેક દેશ માટે હજ ક્વોટા નક્કી કર્યો છે. દર વર્ષે, કોઈ પણ દેશને ગમે તેટલો ક્વોટા મળે, તે દેશના ઘણા મુસ્લિમો હજ માટે મક્કા જાય છે. જાણાવી દઈએ કે, ગયા વર્ષે હજ દરમિયાન 1,200 થી વધુ હજયાત્રીઓના તડકા અને ગરમીના કારણે મૃત્યુ થયા હતા. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો અનધિકૃત હજ યાત્રાળુઓ હતા, જેઓ પરમિટના અભાવે સાઉદી સરકાર દ્વારા કરવામાં આવેલી હજ તૈયારીઓનો લાભ લઈ શક્યા ન હતા અને ગરમીને કારણે મૃત્યુ પામ્યા હતા.