ભારત પહોંચવા માટે 41 કલાકની વિમાન મુસાફરી કરી શકું એમ નથીઃ મેહુલ ચોક્સી

એન્ટીગા (કેરેબિયન ટાપુ) – કેસની તપાસ માટે હાજર રહેવા માટે ભારત પાછા ફરી ન શકવા માટે ભાગેડૂ અબજોપતિ મેહુલ ચોક્સીએ એમના આરોગ્યનું કારણ આપ્યું છે. એમણે કહ્યું છે કે ભારત પાછા ફરવા માટે 41-કલાકની વિમાન મુસાફરી કરવા એ શારીરિક રીતે સમર્થ નથી.

ઉલ્લેખનીય છે કે ચોક્સીએ એન્ટીગાનું નાગરિકત્વ મેળવ્યું છે.

મેહુલ ચોક્સી પર આરોપ છે કે એમણે સરકાર સંચાલિત પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,000 કરોડ જેટલી રકમની છેતરપીંડી કરી છે. આ કૌભાંડ એમણે એમના ભાણેજ નીરવ મોદી સાથે મળીને કર્યું છે.

ચોક્સીએ પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) સ્પેશિયલ કોર્ટમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટને મોકલાવેલા જવાબમાં જણાવ્યું છે કે પોતે વિડિયો કોન્ફરન્સિંગ મારફત તપાસમાં જોડાવા તૈયાર છે. નબળા આરોગ્યને કારણે પોતે 41 કલાકની મુસાફરી કરીને ભારત આવી શકે એમ નથી.

ચોકસી 2018ના જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ભારતમાંથી ભાગી ગયા હતા. એમની પર એવો પણ આરોપ છે કે એમણે એમના આરોગ્ય અંગે ઈરાદાપૂર્વક જાણ ન કરીને ઈડી તપાસ એજન્સીને ગેરમાર્ગે દોરી છે.

ચોક્સીએ કહ્યું છે કે પોતે કેસની પતાવટ કરવા માગે છે અને એ માટે પોતે બેન્કો સાથે સતત સંપર્કમાં છે.

ગયા મહિને, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને કહ્યું હતું કે ઈન્ટરપોલે ચોક્સી સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરી દીધી છે.

ભૂતકાળમાં, ચોક્સીએ એમ કહ્યું હતું કે નબળા આરોગ્ય, ભારતમાં પોતાની અસલામતી તેમજ ભારતની જેલોમાં પોતાને માટે અપૂરતી સુરક્ષાને કારણે એ ભારત પાછા ફરતા ડરે છે.

આ બધી વાતોની સાથે ચોક્સી એમની સામે કરાયેલા આરોપોને સતત નકારતા રહ્યા છે.