એક અમેરિકી યુવાનનું મોત, ઉત્તર કોરીયાને કરવું પડશે 50.1 કરોડ ડોલરનું ચૂકવણું

વોશિંગ્ટનઃ વોશિંગ્ટનના એક સંઘીય ન્યાયાધીશે ઓટો ફ્રેડરિક વાર્મબિયરના માતા-પિતાને 50.1 કરોડ ડોલરની ચુકવણીનો આદેશ આપ્યો છે. કોર્ટે ઉત્તર કોરિયાને બર્બર દુર્વ્યવહાર કરવા અને વર્જિનિયા વિશ્વવિદ્યાલયના છાત્રના મૃત્યુ મામલે જવાબદાર ગણાવ્યું છે. અમેરિકા ડિસ્ટ્રિક કોર્ટ ફોર ધ ડિસ્ટ્રીક ઓફ કોલંબિયાના મુખ્ય ન્યાયાધીશ બેરેલ એલન હોવેલે આદેશ આપ્યો છે કે ઉત્તર કોરિયાને ફ્રેડ અને સિંડી વાર્મબિયરને નુકસાનની ભરપાઈ કરવી જોઈએ. ઓટો વાર્મબિયરનું ઉત્તર કોરિયાની જેલમાંથી છોડવામાં આવ્યા બાદ તરત જ મૃત્યું થયું હતું.

વાર્મબિયર એક પર્યટક સમૂહ સાથે ઉત્તર કોરિયાના પ્રવાસે ગયો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી અને એક પ્રોપોગેંડા પોસ્ટર ચોરવાના સંદેહમાં માર્ચ 2016માં 15 વર્ષની કઠોર શ્રમની સજા સંભળાવવામાં આવી હતી.

ઓટો વાર્મબિયર જ્યારે અમેરિકા પહોંચ્યો ત્યાર બાદ થોડા જ સમયમાં જૂન 2017માં તેનું મૃત્યુ થયું હતું. વાર્મબિયરના માતા-પિતાએ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પહેલી સુનાવણી માટે તેઓ અદાલતમાં રજૂ થયા હતા.

વાર્મબિયરના માતા-પિતાએ ઉત્તર કોરિયાની સરકાર પર એક અબજ ડોલરથી વધારેનો મુકદ્દમો દાખલ કર્યો હતો. તેમનું કહેવું છે કે તેના પરિવાર અને દિકરાને ખૂબ કષ્ટનો સામનો કરવો પડ્યો છે. હોવેલે ઉત્તર કોરિયાને યાતના, બંધક બનાવવા અને ઓટો વાર્મબિયરની અતિરિક્ત ન્યાયિક હત્યા અને સાથે જ તેના માતા પિતાની તકલીફોનું જવાબદાર ગણાવ્યું.