સેન ફ્રાન્સિસ્કોઃ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના એક અફઘાન-અમેરિકન ધારાસભ્યએ જાતિ-આધારિત ભેદભાવ રાખવાની વૃત્તિને ગેરકાયદેસર જાહેર કરવા માટેનો એક પ્રસ્તાવ ગૃહમાં રજૂ કર્યો છે. જો એ પાસ થઈ જશે તો જાતિ-આધારિત ભેદભાવને ગેરકાયદેસર બનાવનાર અમેરિકાનું પહેલું રાજ્ય બનશે.
આ ખરડો ડેમોક્રેટિક પાર્ટીનાં સેનેટર આઈશા વહાબે તૈયાર કર્યો છે અને રજૂ કર્યો છે. એમણે તેમાં એવું સૂચન કર્યું છે કે કેલિફોર્નિયામાં અમલમાં મૂકાયેલા ભેદભાવ-વિરોધી કાયદાઓમાં કોઈ વ્યક્તિના લિંગ, વંશ અને વિકલાંગતાની સાથે જાતિનો પણ સંરક્ષિત શ્રેણી તરીકે ઉમેરો કરવો જોઈએ. ગયા મહિને સીએટલ શહેરમાં સ્થાનિક પરિષદે મૌખિક મતદાન દ્વારા જાતિ-આધારિત ભેદભાવ પર પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં મૂક્યો હતો. આવું કરનાર સીએટલ અમેરિકાનું પ્રથમ શહેર બન્યું છે.