મોદીએ અમને સંજીવની આપીઃ બ્રાઝિલ

બ્રાસીલિયાઃ કોરોના વાયરસના કહેર સામે ઝઝુમી રહેલા બ્રાઝીલે હનુમાન જયંતી પર આ મહામારી માટે ગેમ ચેન્જર બતાવવામાં આવી રહેલી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિનને સંજીવની ગણાવી છે. બ્રાઝીલે મલેરિયાની આ દવાના સપ્લાય માટે ભારતના વડાપ્રધાનનો આભાર માન્યો છે. આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાઈડ્રોક્સીક્લોરોક્વિનના સપ્લાય માટે વડાપ્રધાન મોદીને મહાન નેતા ગણાવ્યા હતા.

બ્રાઝીલના રાષ્ટ્રપતિએ કહ્યું કે, જે રીતે હનુમાનજીએ સંજીવની બુટી લાવીને ભગવાન રામના ભાઈ લક્ષ્મણના પ્રાણ બચાવ્યા હતા તે જ પ્રકારે ભારત દ્વારા આપવામાં આવેલી આ દવાથી લોકોના જીવ બચશે. તેમણે કહ્યું કે, ભારત અને બ્રાઝીલ મળીને આ મહાસંકટનો સામનો કરવામાં સક્ષમ હશે. કોરોના સંક્રમણની સારવારમાં લાભદાયી ગણવામાં આવતી આ દવા માટે અમેરિકા સહિત વિશ્વભરમાંથી માંગ આવી છે.

 

હકીકતમાં વૈશ્વિક મહામારીનું રુપ લઈ ચૂકેલા કોરોના વાયરસનું સંક્રમણ વિશ્વના ઘણા દેશોમાં તેજીથી ફેલાયું છે. અમેરિકા, ઈટલી, સ્પેન જેવા વિકસિત દેશોએ પણ આ વાયરસ આગળ ઘુંટણીયા ટેકવી દીધા છે. ખુદ અમેરિકાની નજર હવે મદદની આશમાં ભારત પર ટકેલી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે વાત કરીને કોરોના સામે લડવા માટે સહયોગની માંગ કરી હતી. અમેરિકાએ કોરોના સામે યુદ્ધ માટે હાઈડ્રોક્સીક્લોરોક્વિનના 29 મિલિયન ડોઝ ખરીદ્યા છે. આમાંથી એક મોટો જથ્થો અમેરિકા ભારત પાસેથી ખરીદી રહ્યું છે. શરુઆતમાં ભારતે આ દવાના નિર્યાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો પરંતુ હવે ફરીથી શરતો સાથે આની મંજૂરી આપવામાં આવી છે.