કાબુલઃ કાબુલમાં એક મસ્જિદમાં નમાજ દરમ્યાન થયેલા બોમ્બધડાકામાં 30 લોકોનાં મોત થયાં છે, જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે. ચારે બાજુ પ્રસરેલા માતમ એ વાતના પુરાવા આપી રહ્યા હતા કે તાલિબાનની સત્તામાં વાપસી અફઘાનિસ્તાનને કેટલી ભારે પડી રહી છે. આ બોમ્બધડાકો નમાજ અદા કરતી વખતે થયો હતો, જેમાં મસ્જિદના ઇમામ અમીર મોહમ્મદ કાબુલી પણ માર્યા ગયા છે. તાલિબાન સત્તામાં પરત ફર્યા પછી તાલિબાનના પ્રતિદ્વન્દ્વી ISએ છેલ્લા કેટલાક દિવસોમાં હુમલાઓ તેજ કર્યા છે અને આ હુમલાની પાછળ એ આતંકવાદી સંગઠનનો હાથ હોવાની આશંકા છે.
કાબુલની ઇમર્જન્સી હોસ્પિટલે ટ્વિટર પર કહ્યું હતું કે એક સાત વર્ષના બાળક સહિત કુલ 27 ઘાયલ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. 27 ઘાયલોમાંથી ત્રણનાં મોત થઈ ચૂક્યાં છે. અફઘાનિસ્તાનમાં ઇમર્જન્સીના કન્ટ્રી ડિરેક્ટર સ્ટીફનો સોજ્જાએ જણાવ્યું હતું કે પાંચ સગીર બાળકો સહિત કુલ 27 લોકોને સર્જિકલ સેન્ટરમાં લાવવામાં આવ્યા છે, જેમાં એક સાત વર્ષનો બાળક પણ સામેલ હતો.
આ બોમ્બધડાકાના પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ આ ધડાકો આત્મઘાતી હુમલા દ્વારા કરવામાં આવ્યો હતો. તાલિબાની પ્રવકતા ખાલિદ ઝરદાને જણાવ્યું હતું કે કાબુલમાં મસ્જિદમાં બોમ્બધડાકો થયો હતો, પણ તેમણે એ ધડાકામાં કેટલાનાં મોત થયાં છે અને કેટલા ઘાયલ થયા છે- એની વિગતો નહોતી આપી. જોકે તાલિબાને આ હુમલાને વખોડી કાઢ્યો હતો.