નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ભારતીય મૂળનાં અમેરિકી વિજ્ઞાની ડો. આરતી પ્રભાકરને દેશના વિજ્ઞાન અને ટેક્નોલોજી નીતિ કાર્યાલય (OSTP)ના ડિરેક્ટર તરીકે નામ સૂચવ્યું છે. જો બાઇડનનો આ પ્રસ્તાવ સેનેટ દ્વારા મંજૂરી મળશે તો OSTPનું ડિરેક્ટરપદ સંભાળનારાં ડો. આરતી પ્રભાકર પહેલા મહિલા હશે.
બાઇડને કહ્યું હતું કે ડો. પ્રભાકર બહુ વિદ્વાન અને સન્માનિત એન્જિનિયર અને ભૌતિક વિજ્ઞાની છે. તેઓ વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઇન્નોવેશનનો લાભ ઉઠાવનારા ક્ષેત્રોમાં અમારી સંભાવનાને વિસ્તાર કરવામાં અને પડકારોને ઝીલનારા વિજ્ઞાન અને ટેક્નોલોજી ઓફિસનું નેતૃત્વ કરશે.
આરતી પ્રભાકર OSTPમાં એરિક લેન્ડરનું સ્થાન લેશે. એરિકને ઓફિસમાં ખરાબ માહોલ બનાવવાના આરોપોને કારણે રાજીનામું આપવું પડ્યું હતું. આરતી આ પહેલાં 1993માં ક્લિન્ટન સરકારના NISTના વડાં રહી ચૂક્યાં છે. ત્યાર બાદ ઓબામા સરકારે ડિફેન્સ એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી (DARPA)નાં વડાં બનાવ્યાં હતાં.
તેમણે કહ્યું હતું કે હું ડો. પ્રભાકરના એ વિશ્વાસથી સહમત છું કે અમેરિકાની પાસે વિશ્વની અત્યાર સુધી સૌથી શક્તિશાળી ઇન્નોવેશન મશીનરી છે. સેનેટ તેમના નામાંકન પર વિચાર કરશે. હું આભારી શું કે ડો. અલોન્દ્રા નેત્સન OSTPનું નેતૃત્વ કરવાનું જારી રાખશે અને ડો. ફ્રાન્સિસ કોલિન્સ મારા કાર્યકારી સલાહકારના રૂપમાં કામ કરવાનું જારી રાખશે.