પાકિસ્તાનના પંજાબમાં બળાત્કારના કેસો વધતાં ‘ઇમર્જન્સી’ લગાડાઈ

લાહોરઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મહિલાઓ અને બાળકોની સામે યૌન શોષણના ઝડપથી વધતા કેસોને ધ્યાનમાં રાખતાં ગૃહપ્રધાને ‘ઇમર્જન્સી’ જાહેર કરી છે. પંજાબના ગૃહપ્રધાન અતા તરારે રવિવારે કહ્યું હતું કે સરકારે બળાત્કારના કેસોમાં નોંધપાત્ર વધારાને પગલે ‘ઇમર્જન્સી’ લાગુ કરવા માટે વિવશ થવું પડ્યું હતું. તેમણે કહ્યું હતું કે પ્રાંતમાં મહિલાઓ અને બાળકોની સામે યૌન શોષણના કેસો વધારાથી સમાજ અને સરકારી અધિકારીઓ માટે એક ગંભીર મુદ્દો બની ગયો છે.

પંજાબમાં દૈનિક ધોરણે બળાત્કારના ચારથી પાંચ કેસો નોંધાઈ રહ્યા છે, જેથી સરકાર યૌન ઉત્પીડન, દુર્વ્યવહાર જેવા કેસો માટે વિવિધ ઉપાયો અજમાવી રહી છે. તરારે કહ્યું હતું કે સરકારે યૌન શોષણ રોકવા માટે એન્ટિ-રેપ કેમ્પેન લોન્ચ કર્યું છે અને વિદ્યાર્થીઓને સ્કૂલોમાં છોકરીઓની કનડગત સામે ચેતવણી ઉચ્ચારી છે. ગૃહપ્રધાને કહ્યું હતું કે હવે માતાપિતાએ તેમના બાળકોને સાવચેત કેવી રીતે રહેવું એ શીખવવું પડશે.

કાયદાપ્રધાન મોહમ્મદ અહમદ ખાનની હાજરીમાં ગૃહપ્રધાને જણાવ્યું હતું કે બળાત્કારના બધા કેસોની કેબિનેટ સમિટી સમીક્ષા કરશે, જેમાં માનવાધિકાર સંસ્થાઓ, શિક્ષકો વગેરેથી મદદ માટે સંપર્ક કરવામાં આવશે. પાકિસ્તાન હાલ લિંગભેદની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે અને દેશમાં બધા વર્ગોમાં મહિલાઓની સામે હિંસા થઈ રહી છે. વળી, પાકિસ્તાન ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં પણ 156 દેશોમાં 153મો ક્રમાંક ધરાવે છે. જેથી પંજાબમાં બળાત્કારના કેસો સામે સરકારે ઇમર્જન્સીનું હથિયાર ઉગામ્યું છે.