અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપઃ 255 લોકોનાં મોત

કાબુલઃ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ભારે ભૂકંપ આવવાથી કમસે કમ 255 લોકોનાં મોત થયા હોવાની શક્યતા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 નોંધવામાં આવી છે. આ ભૂકંપથી હજારો લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કાર્ય માટે એજન્સીઓ ત્યાં પહોંચી ચૂકી છે.  જેથી લોકોને બચાવવા અને ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડવાનું કામ જારી છે. આ ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ-પૂર્વ અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી 44 કિમી દૂર હતું.

અફઘાનિસ્તાનની ન્યૂઝ એજન્સી બખ્તારે આ વિનાશકારી તબાહીની સૂચના આપી હતી. બચાવ કર્મચારીઓ હેલિકોપ્ટરથી એ વિસ્તારમાં પહોંચી ગયા છે. તાલિબાન સરકારના ઉપ પ્રવક્તા બિલાલ કરીમીએ કહ્યું હતું કે પાકટીકા પ્રાંતમાં ચાર જિલ્લામાં ભીષણ ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપથી અનેક ઘરો તબાહ થયા છે. અમે બધી મદદ કરતી એજન્સીઓને વિનંતી કરીએ છીએ કે એ તેમની ટીમને એ વિસ્તારમાં મોકલે, જેથી વધુ ને વધુ વિનાશથી બચી શકાય.પાકિસ્તાનમાં પણ ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ ભૂકંપથી ઘરની છત પડી જતાં એ વ્યક્તિનું મોત થયું હતું. પાકિસ્તાની સમય અનુસાર ભૂકંપ સવારે 1.54 મિનિટે આવ્યો હતો.

પાકિસ્તાનમાં પેશાવર, ઇસ્લામાબાદ, લાહોર અને પંજાબ તથા પખ્તૂનખા પ્રાંતના અન્ય ભાગોમાં અને ભારત સુધી એના જોરદાર ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતા. આ ભૂકંપના આંચકા પછી લોકો ભયભીત થયા હતા અને રસ્તાઓ પર નીકળી આવ્યા હતા. આ પહેલાં શુક્રવારે પાકિસ્તાનનાં કેટલાંય શહેરોમાં રિક્ટર સ્કેલ પર પાંચની તીવ્રતા નોંધાઈ હતી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]