CRR, NRC ભારતનો આંતરિક મામલો છેઃ શેખ હસીના

ઢાકા – બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ કહ્યું છે કે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)એ ભારતની આંતરિક બાબત છે. પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે ત્રણ પડોશી મુસ્લિમ દેશોમાં ધાર્મિક અત્યાચારોનો ભોગ બનેલાઓને નાગરિકતા આપતો આ કાયદો ‘બિનજરૂરી’ છે.

હસીનાએ અબુ ધાબી ખાતે ગલ્ફ ન્યૂઝને આપેલી મુલાકાતમાં આમ કહ્યું હતું. તેઓ અબુ ધાબીમાં ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષી બેઠકમાં હાજરી આપવા ગયાં છે.

હસીનાએ મુલાકાતમાં એમ પણ કહ્યું કે, ભારત સરકારે આમ શા માટે કર્યું એની અમને સમજ પડતી નથી. આની જરૂર જ નહોતી.

હસીનાએ વધુમાં કહ્યું કે, બાંગ્લાદેશ કાયમ કહેતું આવ્યું છે કે CAA અને NRC ભારતની આંતરિક બાબતો છે. ભારત સરકાર પણ વારંવાર કહેતી આવી છે કે NRC ભારતની આંતરિક કામગીરી છે. 2019ના ઓક્ટોબરમાં હું ભારતની મુલાકાતે ગઈ હતી ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે મને આ વિશે ખાતરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, CAA કાયદાને ભારતીય સંસદે 2019ની 11 ડિસેંબરે પાસ કર્યો હતો. આ કાયદો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક અત્યાચારોથી ત્રાસીને ભારત ભાગી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી, જૈન, પારસી કોમોનાં નિરાશ્રીતોને ભારતનું નાગરિકત્વ આપવા માટેનો છે.

આ કાયદો આ મહિનાથી ભારતમાં અમલમાં આવી ગયો છે. પરંતુ વિરોધ પક્ષો તથા યુવા સંગઠનો તરફથી CAA સામે જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે. કેટલાક સ્થળોએ વિરોધ હિંસક પણ બન્યો હતો.

CAA કાયદો ભારતની સંસદે પાસ કરી દીધા બાદ તરત જ બાંગ્લાદેશે તેના પ્રધાનો અને અધિકારીઓની ભારતમાં નિર્ધારિત ઉચ્ચ સ્તરીય મુલાકાતો તથા બેઠકોને રદ કરી દીધી હતી.

હસીના CAA કાયદાને બિનજરૂરી ગણાવે છે એની પાછળનું કારણ એ છે કે એમના દેશમાં એવી ચિંતા છે કે CAA લાગુ કરાશે તો ભારતમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતીઓની બાંગ્લાદેશમાં અવળી હિજરત થશે.

હસીનાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે હજી સુધી ભારતમાંથી બાંગ્લાદેશમાં અવળી હિજરત થઈ નથી.

બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી લોકો પર ધાર્મિક રીતે દમન કરાતું હોવાના દાવાને બાંગ્લાદેશ સરકાર નકારી ચૂકી છે. ‘એનાથી ઉલટું, ભારતમાં જ લોકોને ઘણી સમસ્યાઓ નડી રહી છે,’ એમ હસીનાએ ગલ્ફ ન્યૂઝને કહ્યું.

ભારતીય વિદેશ મંત્રાલયના એક અધિકારીએ હસીનાનાં બિનજરૂરી વિધાન વિશે કહ્યું કે, CAA કાયદો બિનજરૂરી છે કે જરૂરી છે, એનો હવે કોઈ મતલબ જ રહેતો નથી, કારણ કે ભારતની સંસદે એને પાસ કરી દીધો છે.