અમેરિકાએ સ્વીકાર્યું પાકિસ્તાની આતંકી ભારતમાં કરે છે હુમલા

વોશિંગ્ટન- ભારત સતત એ વાત જણાવતું રહ્યું છે કે, પાકિસ્તાન તેની જમીન પરથી ભારત વિરુદ્ધ આતંકની નીતિને પ્રોત્સાહન આપે છે. અને આ વાતના નક્કર પુરાવાઓ પણ ભારતે રજૂ કર્યા છે. હવે અમેરિકાએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે અને ભારતની વાતનું સમર્થન કર્યું છે.ટ્રમ્પ પ્રશાસને ગત રોજ એક રિપોર્ટ જારી કર્યો છે. જેમાં આતંકવાદ રોકવા માટે મહત્વપૂર્ણ પગલા લેવા બદલ ભારતની સરાહના કરવામાં આવી છે, અને જણવવામાં આવ્યું છે કે, પાકિસ્તાની આતંકી સમુહ ભારતમાં હુમલા કરી રહ્યું છે.

અમેરિકાના વિદેશ વિભાગે તેના વાર્ષિક અહેવાલ ‘કન્ટ્રી રિપોર્ટ ઓન ટેરરિઝમ’માં જણાવ્યું છે કે, ભારતીય નેતૃત્વએ આંતરિક સ્તરે હુમલાઓ રોકવા તેમજ અમેરિકા તથા સમાન વિચારધારા ધરાવનારા દેશો સાથે મળીને આતંક અને ષડયંત્રકારીઓને રોકવા સંકલ્પ વ્યક્ત કર્યો છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ‘ભારત સતત આતંકી હુમલાનો ભોગ બની રહ્યું છે. જેમાં પાકિસ્તાની આતંકી સંગઠન અને આદિવાસી તેમજ માઓવાદી આતંકી સંગઠન પણ ભારતમાં હુમલા કરી રહ્યું છે. ભારતીય અધિકારીઓએ જમ્મુ-કશ્મીરમાં સરહદે થતા આતંકી હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં કરવામાં આવેલો આતંકી હુમલો હોય કે પછી પઠાનકોટ આતંકી હુમલો. એક વાત તો દરેક વખતે સ્પષ્ટ થઈ છે કે, પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ જ ભારતમાં હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે.