ચાલો, દ્વિપક્ષી શાંતિ મંત્રણા ફરી શરૂ કરીએઃ ઈમરાન ખાન (પીએમ મોદીને)

ઈસ્લામાબાદ – પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે બંને દેશે દ્વિપક્ષી શાંતિ મંત્રણા ફરી શરૂ કરવી જોઈએ.

ઈમરાને પત્રમાં લખ્યું છે કે ત્રાસવાદ અને કશ્મીર સહિતના જે મહત્ત્વના મુદ્દા બંને દેશ વચ્ચેના સંબંધને પડકારરૂપ છે એના વિશે દ્વિપક્ષી મંત્રણા ફરી શરૂ કરવાની જરૂર છે.

ક્રિકેટરમાંથી વડા પ્રધાન બનેલા ઈમરાને લખેલો પત્ર 14 સપ્ટેંબરની તારીખનો છે.

ઈમરાને એવું સૂચન કર્યું છે કે આ જ મહિને ન્યુ યોર્કમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્રોની મહાસમિતિની બેઠક દરમિયાન પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમૂદ કુરેશી અને ભારતીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ વચ્ચે બેઠક યોજવી જોઈએ.

ઈમરાને પત્રમાં લખ્યું છે કે, આપણા બંને દેશ વચ્ચે શાંતિ માટે પરસ્પર ઈચ્છાશક્તિનું ઘડતર થઈ શકે એ માટે હું ઈચ્છા વ્યક્ત કરું છું કે વિદેશ પ્રધાન મખદૂમ શાહ મેહમૂદ કુરેશી અને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ વચ્ચે ન્યુયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના આગામી સંમેલન દરમિયાન SAARC સમૂહના વિદેશ પ્રધાનોની એક અનૌપચારિક બેઠક યોજાવી જોઈએ.

વડા પ્રધાન મોદીએ ગઈ 18 ઓગસ્ટે ઈમરાન ખાનને પત્ર લખ્યો હતો. એના જવાબમાં ખાને લખ્યું છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચેનો સંબંધ નિઃશંકપણે પડકારરૂપ છે.

વડા પ્રધાન મોદીએ ઈમરાન ખાનને લખેલા પત્રમાં પાકિસ્તાન સાથે અર્થપૂર્ણ અને રચનાત્મક મંત્રણા કરવાની ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે દક્ષિણ એશિયા વિસ્તારને ત્રાસવાદ-મુક્ત બનાવવા માટે ભારત-પાકિસ્તાને સાથે મળીને કામ કરવાની જરૂર છે.

ઈમરાન ખાને એમ પણ કહ્યું છે કે કુરેશી અને સ્વરાજ મંત્રણાની દિશામાં આગળ વધવાનો માર્ગ શોધી શકશે. SAARC સમૂહના દેશોના વડાઓનું શિખર સંમેલન હવે ઈસ્લામાબાદમાં યોજાવાનું છે તો આપને માટે પાકિસ્તાનની મુલાકાતે આવવાની તક મળશે અને અમને સ્થગિત થઈ ગયેલી દ્વિપક્ષી મંત્રણાની પ્રક્રિયાને ફરી શરૂ કરવાની તક મળશે.

વિદેશ પ્રધાનો ન્યુ યોર્કમાં મળશે

દરમિયાન, ઈમરાન ખાને મોદીને પત્ર લખ્યા બાદ ભારત સરકારે કહ્યું છે કે બંને દેશના વિદેશ પ્રધાન ન્યુ યોર્કમાં મળશે.

સુષમા સ્વરાજ અને શાહ મેહમૂદ કુરેશી વચ્ચે ન્યુ યોર્કમાં બેઠક યોજાશે. બંને વિદેશ પ્રધાન સંયુક્ત રાષ્ટ્રોની બેઠકમાં હાજરી આપવા જવાના છે.