નવી દિલ્હી: કોરોનાએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધુ છે ત્યારે કોરોડો નોકરીઓ પર સંકટ ઉભું થયું છે. તો એમેઝોને મોટા પ્રમાણમાં ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. એમેઝોને કહ્યું કે, તે 75 હજાર લોકોને નોકરી આપશે. આ ભરતીમાં વેરહાઉસ સ્ટાફથી લઈને ડિલિવરી ડ્રાઈવર્સ સુધીનો સમાવેશ થશે. કંપનીએ કહ્યું કે, કે તેમનો સ્ટાફ વધારવા પાછળનું કારણ છે લોકડાઉન.
સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર સોમવારે 75 હજાર નોકરી અંગે જણાવતા એમેઝોને કહ્યું કે, અમેરિકામાં કોરોનાવાઈરસને કારણે લોકો ઘરમાં બંધ છે, જેના કારણે ઓનલાઈન ઓર્ડરની માંગ વધી રહી છે. લાંબા સમય સુધી ક્વોરન્ટીન રહેવાની આશંકાને ધ્યાનમાં રાખતા દુકાનોનો સ્ટોક ખાલી થઈ રહ્યો છે. કંપનીઓનો પ્રયત્ન છે કે, તે ખાવા પીવા અને હેલ્થ પ્રોડક્ટ્સનો સ્ટોક જાળવી રાખે. સાથે જ સ્ટોરમાં કામ કરતા લોકો અને ડિલિવરી સ્ટાફની પણ જરૂર છે, જેને જોતા એમેઝોને મોટા પ્રમાણમાં ભરતી કરવાનો નિર્ણય લીધો છે.
દિગ્ગજ ઈ કોમર્સ કંપની એમેઝોન માટે હાયરિંગ એક મોટું અને મુશ્કેલ કામ છે. એમેઝોનના વેરહાઉસ સ્ટાફમાં કોરોના વાઈરસના અનેક કેસ સામે આવ્યા છે. કંપનીનું કહેવું છે કે, હવે તે અમેરિકા અને યુરોપ સ્થિત તેમના તમામ વેરહાઉસમાં તાપમાન ચેક કરશે અને માસ્કની પૂરતી વ્યવસ્થા રાખશે.
બેરોજગારીના વધતા જતાં દરને ધ્યાનમાં રાખતા એમેઝોને આ ગેપને ભરવાનો નિર્ણય કર્યો છે. નવા કર્મચારીઓને આકર્ષિત કરવા માટે કંપની 15 ડોલર પ્રતિ કલાકના મિનિમમ વેતનમાં 2 ડોલરનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે એપ્રિલથી લાગૂ થયો છે. કંપનીએ કહ્યું કે, પહેલા આપેલી જાહેરખબરની 1 લાખ ભરતી થઈ ચૂકી છે અને આ 75 હજાર એ સિવાયની છે. એમેઝોનનું કહેવું છે કે, તે વૈશ્વિક સ્તર પર પગાર વધારવા મામલે લગભગ 50 કરોડ ડોલરથી વધુનો ખર્ચ કરી શકે છે. ગયા વર્ષે આ આંકડો 35 કરોડ ડોલરનો હતો.