ચીનના વિરોધ બાદ એર ઈન્ડિયાએ વેબસાઈટમાં બદલ્યું તાઈવાનનું નામ

બિજીંગ- લાગે છે કે, આજની તારીખમાં ચીનના વિરોધનો સામનો કરવો કોઈ માટે શક્ય નથી. એવામાં વિમાન કંપની એર ઈન્ડિયાની શું તાકાત? હવે એર ઈન્ડિયાનો સમાવેશ પણ વિશ્વની એવી વિમાન કંપનીઓમાં થઈ ગયો છે જેને ચીનની ધમકી સામે નમતું આપવું પડ્યું છે.આપને જણાવી દઈએ કે, ગત મહિને એર ઈન્ડિયાની વેબસાઇટ પર તાઈવાનને એક સ્વતંત્ર દેશ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. જેની સામે ચીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ એર ઈન્ડિયાએ ચીનની ઈચ્છા મુજબ તાઈવાનને બદલે ‘ચાઈનીઝ તાઈપેઈ’ કર્યું હતું.

આ પહેલાં પણ વિશ્વની ઘણી એરલાઈન્સ જેવી કે, સિંગાપોર એરલાઈન્સ, જાપાન એરલાઈન્સ અને એર કેનેડા સહિત અનેક એરલાઈન્સે તેમની વેબસાઈટ પર તાઈવાનની જગ્યાએ ‘ચાઈનીઝ તાઈપેઈ’ કર્યું છે. ગત 25 એપ્રિલના રોજ સિવિલ એવિયેશન ઓથોરિટી ઓફ ચાઈના (CAAC) દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવ્યું હતું કે, ચીન નથી ઈચ્છતું કે, તાઈવાનને એક સ્વતંત્ર દેશ તરીકે દર્શાવવામાં આવે.

આપને જણાવી દઈએ કે, ચીન તાઈવાનને પોતાનો જ એ ક પ્રાંત માને છે. જોકે વર્ષ 1949માં ચીનમાં ગૃહયુદ્ધનો અંત આવ્યા બાદ તાઈવાન સ્વતંત્ર રીતે પોતાની સરકાર દ્વારા સંચાલિત છે. જોકે ભારતનો તાઈવાન સાથે કોઈ પ્રકારનો રાજદ્વારી સંબંધ નથી. પરંતુ તેની સાથે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો  જોડાયેલા છે.