ટીશર્ટના એક સ્લોગનને લઈને ટ્રમ્પ સમર્થકોએ કર્યો ‘વોલમાર્ટ’નો બહિષ્કાર

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ એક ખાસ સૂત્રવાળા ટી-શર્ટ વેચવાને લઈને પ્રસિદ્ધ રિટેલ ચેન વોલમાર્ટનો બહિષ્કાર શરુ કર્યો છે. અને સોશિયલ મીડિયા ઉપર અન્ય લોકોને પણ વોલમાર્ટનો બહિષ્કાર કરવા અપીલ કરી છે. હકીકતમાં ટ્રમ્પ સમર્થકો વોલમાર્ટના એ ટી-શર્ટના વેચાણથી ખૂબ નારાજ છે જ્માં ‘ઈમ્પીચ-45’ એવું સ્લોગન લખેલું છે.ઈમ્પીચ-45નો અર્થ થાય છે કે, 45 સામે મહાભિયોગ. ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 45મા પ્રેસિડેન્ટ છે. જેથી આ સ્લોગનને ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર સીધો શાબ્દિક પ્રહાર માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ અમેરિકન સોશિયલ મીડિયા સાઈટ ઉપર #BoycottWalmart સૌથી વધુ ટ્રેન્ડિંગમાં રહેલો ટોપિક હતો. મંગળવાર સુધીના આંકડા મુજબ આ હેશટેગ પર 50 હજારથી વધુ ટ્વીટ કરવામાં આવ્યા હતા.

એક અમેરિકન ટ્વીટર યુઝરે વોલમાર્ટને વાહિયાત ગણાવતા જણાવ્યું કે, ‘આ પહેલાં કોઈપણ પ્રેસિડેન્ટ સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો નથી. જેથી હું હવે વોલમાર્ટમાંથી ખરીદી નહીં કરું’. અન્ય એક ટ્વીટર યુધરે લખ્યું કે, વોલમાર્ટે આ પ્રકારના સ્લોગનનો ઉપયોગ કરીને પોતાની માનસિકતા છતી કરી છે. અને ઈમ્પીચમેન્ટ-45ને પ્રોત્સાહન આપ્યું છે.

મહત્વનું છે કે, આ સમગ્ર પ્રકરણ ચર્ચામાં આવ્યા બાદ હવે વોલમાર્ટની વેબસાઈટ પર ‘ઈમ્પીચ-45’ ટીશર્ટનું બુકિંગ બંધ કરવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]