વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોના વાઇરસને ફેલાતો રોકવા માટે હાલ યુદ્ધ સ્તરે કામ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ઼ ટ્રમ્પે જણાવ્યું હતું કે અત્યાર સુધી 10 લાખ લોકોનાં કોવિડ-19ની તપાસ કરવામાં આવી છે, જે અત્યાર સુધૂ કોઈ પણ દેશ દ્વારા કરવામાં આવેલા પરીક્ષણથી વધુ છે. આગામી 30 દિવસ અમેરિકા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ટ્રમ્પની લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ બનાવી રાખવાની અપીલ છે. અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધીમાં 2,800 લોકોથી વધુનાં મોત થઈ ચૂક્યાં છે.
મોતના આંકડા વધવાની શક્યતા
અમેરિકી આરોગ્ય સચિવ એલેક્સ અજારે કહ્યું હતું કે કોરોના વાઇરસ માટે પ્રતિ દિન એક લાખ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જોન્સ હોપકિન્સ વિશ્વ વિદ્યાલયના જણાવ્યાનુસાર સંયુક્ત રાજ્ય અમેરિકાની અંદર કોવિડ-19ના કેસોની સંખ્યા 1,50,000થી વધી થઈ ગઈ છે અને મૃત્યુઆંક 2,828 સુધી પહોંચી ચૂક્યો છે. હાલમાં જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે મોતના આંકડામાં ઓર વધારો થવાની શક્યતા છે, જે એક સપ્તાહમાં ચરમસીમાએ પહોંચશે.
બે લાખ લોકોના જીવ જવાની શક્યતા
કોરોનાથી અમેરિકામા બે લાખ લોકોના જીવ જાય એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આશંકા રાષ્ટ્રપતિ ટ્રમ્પે દર્શાવી હતી. અમેરિકામાં મેલેરિયાની એક દવાના મર્યાદિત ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે, જેથી વધુ લોકોના જીવ બચાવી શકાય. હાલ અમેરિકાના કેટલાંય શહેરોમાં લોકડાઉનનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે, જેથી કોરોના વાઇરસને સીમિત દાયરામાં રાખી શકાય.કોરોનાની સાંકળ તોડવી બહુ જરૂરી
કોરોના વાઇરસને રોકવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે ચેપગ્રસ્ત લોકોને ઓળખવા માટે વધુ ને વધુ લોકોની તપાસ કરવામાં આવે. જો બધા ચેપગ્રસ્તોની ઓળખ કરવામાં આવે તો એની સાંકળને તોડી શકાય. આ સાંકડ તૂટ્યા પછી આ રોગ પર કાબૂ મેળવી શકાય છે. જેથી અમેરિકામાં વધુ ને વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં પણ કોરોના વાઇરસની તપાસમાં ઝડપ આવી ગઈ છે.