વોશિંગ્ટનઃ અમેરિકાના 57 સંસદસભ્યોએ રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનને પત્ર લખીને ભારતને અપાતી કોવિડ-19 સહાયતા વધારવા વિનંતી કરી છે. બાઇડનને મોકલેલા પત્રમાં સંસદસભ્યોએ લખ્યું છે કે સંક્રમણના કેસોમાં ઝડપી વધારો થવાને ભારતની આરોગ્ય ક્ષેત્ર પર બહુ ભાર પડી રહ્યો છે. કોરોના વાઇરસને ખતમ કરવા માટે આપણા તરફથી વધુ પ્રયાસ થવા જોઈએ.
કોંગ્રેશનલ ઇન્ડિયા કોક્સમાં અધ્યક્ષ બ્રેડ શેરમને કહ્યું હતું કે ભારતમાં કોરોનાની બીજી લહેરને લઈને અમને બહુ વધુ ચિંતા છે. ભારત વૈશ્વિક રોગચાળા કોવિડ-19નું કેન્દ્ર બની ગયું છે. ભારતમાં આજે કોરોનાથી 4205 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી 2.50,000થી વધુ લોકો માર્યા ગયા છે. આ પત્રમાં તેમણે કહ્યું હતું કે ભારતમાં કોવિડ-19નો પ્રેકોપ એક માનવીય સંકટ છે, જેમાં આપણે મદદ કરવાની જરૂર છે. જ્યાં સુધી ભારતમાં કોવિડનો કહેર રહેશે, ત્યાં સુધી વાઇરસના નવાં સ્વરૂપોની ઉત્ત્પત્તિનું જોખમ બની રહેશે, જે રસીકરણ કરાવી ચૂકેલા અમેરિકી લોકો માટે એક ગંભીર ખતરો છે.
ભારતને વધારાના મેડિકલ ઇક્વિપમેન્ટો, સપ્લાય અને અન્ય જરૂરી સંસાધનોની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું. ભારતને ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન જનરેટર, ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કર, રેમડિસિવિર, વેન્ટિલેટર વગેરે મોકલવામાં આવે એવો પત્રમાં વડીવટી તંત્રને અરજ કરવામાં આવે છે. ભારતમાં રસીકરણ અમેરિકાના હિતમાં છે. જેથી ભારતમાં રસી ઉપલબ્ધ કરાવવામાં આવવી જોઈએ.