સાઉદી અરેબિયામાં બસ દુર્ઘટનામાં 35 વિદેશી શ્રદ્ધાળુઓનાં કરૂણ મોત

મક્કા – સાઉદી અરેબિયાના પ્રસિદ્ધ યાત્રાધામ મક્કા શહેરની નજીક એક બસ દુર્ઘટનામાં 35 વિદેશી શ્રદ્ધાળુઓનાં કરૂણ મોત થયા છે. મક્કા અને મદીના શહેરને જોડતા રોડ પર ગઈ કાલે રાતે લગભગ 8 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી. એમાં એક ટુરિસ્ટ બસ રસ્તા પર ખોદકામ કરતા વાહન સાથે જોશભેર અથડાઈ હતી.

મદીના શહેરથી આશરે 170 કિ.મી. દૂર આવેલા હિજરા રોડ પર અલ-અખલ ગામ નજીક બનેલી દુર્ઘટનામાં 39 પ્રવાસીઓ સાથેની એક ખાનગી ચાર્ટર્ડ બસ રસ્તા પર ઊભેલા એક હેવી વેહિકલ (લોડર) સાથે અથડાઈ હતી.

બસમાં એશિયાવાસીઓ અને આરબ મૂળનાં લોકો સવાર થયા હતા.

અકસ્માત એવો ભીષણ હતો કે બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી અને એનાં ફૂરચાં ઊડી ગયા હતા.

દુર્ઘટનામાં ઘાયલ થયેલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દુર્ઘટનાનાં કારણની તપાસ ચાલી રહી છે.

માર્યા ગયેલાઓમાં મોટા ભાગના એશિયાવાસીઓ છે.

શારીરિક રીતે સુસજ્જ હોય એ દરેક મુસ્લિમ માટે મક્કા સ્થિત હજની ધાર્મિક યાત્રા પર જવાનું મુસ્લિમ સમાજમાં આવશ્યક ગણાય છે.

બસ દુર્ઘટનાનાં સમાચાર જાણીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. ટ્વીટ કરીને એમણે મૃતકોનાં પરિવારજનો માટે દિલસોજી પણ વ્યક્ત કરી છે.