કેલિફોર્નિયામાં ગિલરોય ગાર્લિક ફેસ્ટિવલ દરમિયાન ફાયરિંગ, 3 લોકોના મોત…

કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયામાં ભીડ પર ફાયરિંગ કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. ગઈકાલે મોડી રાત્રે કેલિફોર્નિયાના ગિલરોયમાં ગિલરોય ગાર્લિક ફેસ્ટિવલમાં ફાયરિંગ દરમિયાન ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 12 જેટલા લોકો ઘાયલ થયા હોવાના સમાચારો મળી રહ્યા છે.

ગોળીબારની આ ઘટના બાદ પોલીસ અધિકારીઓની ટીમે ઘટના સ્થળને ચારે બાજુથી ઘેરી લીધું અને તપાસ શરુ કરી દીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ત્યાં ઘણા રાઉન્ડનો ગોળીબાર સંભળાયો હતો અને ઘણા લોકો થાયલ થયા હોવાની આશંકા પણ છે. લોકોએ જણાવ્યું કે હુમલાખોર રાઈફલ સાથે હતો અને સાનાની વર્ધી જેવા કપડા પહેર્યા હતા. આસપાસના લોકોને શરુઆતમાં તો ફટાકડાના અવાજ જેવું કંઈક લાગ્યું પરંતુ બાદમાં ખ્યાલ આવ્યો કે મશહુર ગાર્લિક ફેસ્ટિવલ દરમિયાન ફાયરિંગ થયું છે. ઘાયલોને અત્યારે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પહેલા 26 જુલાઈના રોજ લોસ એન્જલસમાં એક બંદૂકધારીએ ત્રણ લોકોની હત્યા કરી નાંખી અને બે લોકોને ઘાયલ કર્યા હોવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે. લોસ એન્જલસ પોલીસ વિભાગે આની પુષ્ટી કરી છે. હુમલાખોર જારાગોજા પર પોતાના પિતા અને પોતાના ભાઈની હત્યા કરવાની સાથે જ કૈનોગા પાર્કમાં પોતાની માં ને ઘાયલ કરવાનો પણ સંદેહ છે. આ સાથે જ તેણે ગેસ સ્ટેશન પર એક મહિલાની ગોળી મારીને હત્યા કરી દીધી અને નોર્થ હોલીવડમાં એક બેંકની બહાર એક વ્યક્તિને લૂંટવાના પ્રયાસમાં તેને ઘાયલ કરી દીધો હતો.