એક અલગ જ રોમાંચ: 1,981 ફૂટની ઉંચાઈ પર ઝૂલતી હોટલ બનશે

નોર્વે- તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ હકીકત બનવા જઈ રહી છે. તૂર્કીનો એક ડિઝાઈન સ્ટૂડિયો એક એવી હોટલ બનાવવા જઈ રહ્યો છે જેને જોઈને કદાજ તમારો શ્વાસ અટકી જશે. આર્કિટેક્ટ સ્ટૂડિયો હયારી અટકએ દક્ષિણ નોર્વેમાં 1,981 ફૂટની ઉંચાઈ પર એક પહાડ પર હોટલ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ પ્રસ્તાવિત હોટલમાં તમે ઊંચી ઝૂંલતી ચટ્ટાન પર જઈને રોમાંચક નજારો જોઈ શકશો. તેમની નીચે ત્રણ માળ પણ હશે. દરેક માળ પર એક બાલ્કની હશે. આ બાલ્કનીમાંથી ઉભા રહીને ગેસ્ટ નોર્વેની ખૂબસૂરતી નિહાળી શકશે.

હોટલના સૌથી નીચલા ભાગમાં એક સ્વિમિંગ પૂલ પણ હશે. પ્રાકૃતિક ખૂબસૂરતીની વચ્ચે બનેલો આ સ્વિમિંગ પૂલ એક અનોખો અનુભવ આપશે.

આર્કિટેક્ટ હયારી અટકએ ઈનસાઈડરને જણાવ્યું કે, કોઈ ઝૂલતી ચટ્ટાનની એકદમ કિનાર પર રહેવાનો વિચાર તેમને ખૂબ જ સારો લાગ્યો. અહીંની પલ્પિટ રોક (ચટ્ટાન) સૌથી સારી એડવેન્ચર્સ જગ્યાઓમાંની એક છે.

તેમણે કહ્યું કે, એક દિવસ મારી મિત્રએ તેમની નોર્વે ટ્રિપ દરમિયાન પાડેલા એક ચટ્ટાનનો ફોટો મને મોકલ્યો હતો. આ તસવીર એક મોટી ચટ્ટાનના એકદમ કિનાર પરથી લેવામાં આવી હતી. હું ત્યાં ન હતો પરંતુ મે એ તસવીર જોઈને એ કિનારા પર ઉભા રહેવાના એડવેન્ચરનો અનુભવ કર્યો. ત્યારબાદ મેં ત્યાં રહેવાનું સપનું જોયું.

જોકે, હજુ સુધી આ પ્રોજેક્ટને મંજૂરી નથી મળી. આ હોટલ એકમાત્ર એવી હોટલ નથી જેમાં અનોખો સ્વિમિંગ પૂલ હશે. જૂન મહિનામાં એક ડિઝાઈન ફર્મે લંડનમાં 360 ડિગ્રીનો ઈનફિનિટી પૂલ બનાવવાની જાહેરાત કરી જે 55 માળની ઈમારતની ઉપર બનાવવામાં આવશે.