ન્યુ યોર્કના એપાર્ટમેન્ટની ભીષણ આગમાં 19 લોકોનાં મોત

ન્યુ યોર્કઃ અમેરિકાના ન્યુ યોર્કના બ્રોન્કસમાં એક એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી, જેમાં 19 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા, જેમની હોસ્પિટલમાં સારવાર જારી છે. કુલ 63 લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા હતા, જેમાંથી 32 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. આ આગ ઇલેક્ટ્રિક હીટરને કારણે લાગી હતી.

 ન્યુ યોર્કના મેયરના મુજબ શહેરમાં એક ઊંચી ઇમારતમાં આગ લાગવાને કારણે કમસે કમ નવ બાળકો સહિત 19 લોકોનાં મોત થયાં છે. એક અધિકારીના જણાવ્યા મુજબ એ આગ બિલ્ડિંગમાં ત્રીજા માળે આગ લાગી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ફાયર બ્રિગ્રેડની ટીમ પહોંચી હતી અને આગને કાબૂમાં લાગી હતી.ફાયર બ્રિગ્રેડ ન્યુ યોર્કના કમિશનર ડેનિયલ નિગ્રોએ આ આગની ગંભીરતાની તુલના હેપ્પી લેન્ડ સોશિયલ ક્લબની આગથી કરી હતી. એ ઘટનામાં 87 લોકો માર્યા ગયા હતા. એ દુર્ઘટના 1990માં બની હતી.

આ આગ લાગવાની દુર્ઘટનામાં અનેક જણ જખમી થયા હતા. આ ઘટના અમેરિકાની સૌથી મોટી આગની દુર્ઘટનામાંની એક છે. મેયર એરિક એડમ્સના જણાવ્યા મુજબ 19 લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેટલાય લોકોની હાલત ગંભીર છે.