વિશ્વમાં સૌપ્રથમ વાર વ્યક્તિની અંદર સૂઅરનું ‘દિલ’ ધડકશે

વોશિંગ્ટનઃ અમેરિકામાં મેરિલેન્ડમાં રહેતી 57 વર્ષીય એક વ્યક્તિની સર્જરી કરીને જેનેટિક બદલાવની સાથે સૂઅરનું હાર્ટ લગાવવામાં આવ્યું છે. આવી સર્જરી સૌપ્રથમ વાર થઈ છે. સફળ સર્જરીના ત્રણ દિવસ પછી દર્દીની હાલત હવે ઠીક છે. ડેવિડ બેનેટ હ્દયરોગથી પીડિત હતા અને હાલના વિકલ્પોમાં સૂઅરનું દિલ જ એકમાત્ર વિકલ્પ હતો. બેનેટનો મેડિકલ રેકોર્ડ્સ જોયા પછી માલૂમ પડ્યું હતું કે પારંપરિક હ્દય પ્રત્યારોપણ અથવા કૃત્રિમ પમ્પનો સહારો નહીં લઈ શકાય.

મારી હાલત એવી હતી કે મરી જાઉં અથવા આ ટ્રાન્સપ્લાન્ટ કરાવી લઉં, હું જીવવા ઇચ્છતો હતો. મને ખબર હતી કે અંધારામાં તીર મારવા જેવું છે, પણ એ મારી પાસે એ છેલ્લો વિકલ્પ હતો, એમ બેનેટે યુએસ ફૂડ એન્ડ ડ્ર્ગ એડમિનિસ્ટ્રેશનને 31 ડિસેમ્બરે સર્જરી પહેલાં ઇમર્જન્સી મંજૂરી આપતાં લખ્યું હતું.

એ સૂઅરના ત્રણ જીન બહાર કાઢવામાં આવ્યા હતા, જેને કારણે હ્યુમન ઇમ્યુન સિસ્ટમ સૂઅરનાં અંગોનો સ્વીકાર નથી કરતી. એક જીન એટલા માટે રોકવામાં આવી હતી, કેમ કે સૂઅરના દિલમાંથી ટિશ્યુના ગ્રોથને અટકાવી શકાય.આ સિવાય એમાં છ જીન નાખવામાં પણ આવ્યા હતા.

ડોક્ટરો હવે બેનેટને થોડા દિવસ અને સપ્તાહો સુધી દેખરેખમાં રાખશે, જેથી ટ્રાન્સપ્લાન્ટ યોગ્ય રીતે કામ કરી રહ્યું છે કે નહીં એ જોઈ શકાય. એની ઇમ્યુન સિસ્ટમ સાથે સંકળાયેલી સમસ્યાઓ અને અન્ય જટિલતાઓની દેખરેખ કરવામાં આવશે. ટ્રાન્સપ્લાન્ટ માટે હ્યુમન હાર્ટ ડોનર ઉપલબ્ધ નહોતું. અમે સાવધાનીથી આગળ વધી રહ્યા છે, પણ અમને એ પણ આશા છે કે વિશ્વની આ પહેલી સર્જરી ભવિષ્યમાં દર્દીઓ માટે એક મહત્ત્વની અને નવો વિકલ્પ આપશે, એમ સર્જન ડો. બાર્ટલે પી. ગ્રિફિથે કહ્યું હતું.