સરહદી દીવાલ બાંધવા મામલે 16 અમેરિકી રાજ્યોએ ટ્રમ્પ સામે અદાલતી દાવો માંડ્યો

0
689

સેન ફ્રાન્સિસ્કો – મેક્સિકો સાથે દક્ષિણ ભાગની સરહદ પર એક દીવાલ બાંધવા માટે ભંડોળ એકત્ર કરવા રાષ્ટ્રીય ઈમરજન્સી ઘોષિત કરવાના અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ સોમવારે લીધેલા નિર્ણય સામે અમેરિકામાં જોરદાર વિરોધ ઊભો થયો છે. દેશના 16 રાજ્યોએ કેલિફોર્નિયાની એક ફેડરલ કોર્ટમાં વહીવટીતંત્ર સામે દાવો માંડ્યો છે.

ટ્રમ્પે ગયા શુક્રવારે ઈમરજન્સીની ઘોષણા કરી હતી. તે અનુસાર એમને સત્તા મળી છે કે તેઓ પેન્ટેગોનના લશ્કરી બાંધકામના બજેટ તથા અન્ય સ્રોત માટેનાં ભંડોળ પોતાના પાસે ડાઈવર્ટ કરી શકશે.

ટ્રમ્પ સરકાર વિરુદ્ધ ફરિયાદ કરનાર રાજ્યોની દલીલ છે કે ટ્રમ્પ સરકારે આ રીતે ઈમરજન્સી ઘોષિત કરીને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે.

રાજ્યોએ એવી પણ દલીલ કરી છે કે બંધારણ અનુસાર આ જાહેર ભંડોળના ઉપયોગ વિશેનો નિર્ણય લેવાની આખરી સત્તા કોંગ્રેસ (સંસદ) છે.

ટ્રમ્પ સરકાર સામે અદાલતમાં દાવો કરનાર રાજ્યો છેઃ કેલિફોર્નિયા, કોલોરાડો, કનેક્ટિકટ, ડેલાવેર, હવાઈ, ઈલીનોઈ, મેઈન, મેરીલેન્ડ, મિશિગન, મિનેસોટા, નેવાડા, ન્યૂજર્સી, ન્યૂમેક્સિકો, ન્યૂયોર્ક, ઓરેગોન અને વર્જિનિયા.

આ રાજ્યોએ ફરિયાદ કરી છે કે મેક્સિકો સરહદ પર દીવાલ બાંધવા માટે જાહેર ભંડોળનો ઉપયોગ કરતાં ટ્રમ્પ વહીવટીતંત્રને રોકવામાં આવે.

રાજ્યોએ દલીલ કરી છે કે પ્રમુખ ટ્રમ્પે પોતાની મરજી મુજબનો નિર્ણય લીને દેશને બંધારણીય કટોકટી તરફ ધકેલી દીધો છે. સરહદ પર દીવાલ બાંધવા માટે ભંડોળ મેળવવાના પ્રમુખ ટ્રમ્પના પ્રયાસોને કોંગ્રેસે અનેક વાર અટકાવ્યા છે. આ વિવાદને કારણે દેશમાં સરકારી કાર્યાલયોમાં 35-દિવસ સુધી આંશિક રીતે શટડાઉન આંદોલન પણ થયું હતું.

રાજ્યોએ વધુમાં કહ્યું છે કે સરહદ પર દીવાલ બાંધવા માટે 1,375 અબજ ડોલરનું ભંડોળ પ્રાપ્ત કરવા માટેના કાયદા પર પ્રમુખ ટ્રમ્પે સહી કરી છે, પણ કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે આ ભંડોળનો ઉપયોગ ટ્રમ્પની સૂચિત સરહદીય દીવાલ બાંધવા માટે કરવો નહીં.

ફરિયાદમાં જણાવાયું છે કે આંતરિક સુરક્ષા વિભાગ (ગૃહ મંત્રાલય)એ રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.