મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં અંદરખાને કશ્મકશ

મુંબઈઃ મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં આંતરિક ખેંચતાણ વધી રહી હોવાના સંકેતો સામે આવી રહ્યા છે. મનોજ જરાંગે સાથે જોડાયેલા ઓડિયો વિવાદ, એકનાથ શિંદેની મુખ્ય મંત્રી પદ માટેની દાવેદારી, વિધાન પરિષદની ચૂંટણી અને નાણાં વિભાગને લઈને ચાલી રહેલી ખેંચતાણે નવા સવાલો ઊભા કર્યા છે. આ સાથે કોંકણ વિસ્તારમાં સાથી પક્ષોના નેતાઓ વચ્ચે વધતો સંઘર્ષ, વિધાન પરિષદની ચૂંટણીઓમાં સહયોગી પક્ષો વચ્ચે સીધી ટક્કર અને અજિત પવાર જૂથ દ્વારા નાણાં વિભાગ પર વધતું દબાણ—આ તમામ ઘટનાઓ મહાયુતિની અંદર ચાલી રહેલી ઊથલપાથલ તરફ ઇશારો કરે છે.

આવી સ્થિતિમાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય મંત્રી એકનાથ શિંદે વચ્ચે સત્તાના કેન્દ્રને લઈને શાંત ‘કોલ્ડ વોર’ ચાલી રહ્યું છે કે પછી સાથી પક્ષો સંભવિત ફેરફાર પહેલાં પોતાની રાજકીય તાકાતનું પ્રદર્શન કરી રહ્યા છે?

એક ઓડિયો ક્લિપ અને વધતો અવિશ્વાસ

મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલે એક કથિત ઓડિયો ક્લિપ જાહેર કરી. આ ક્લિપમાં નાયબ મુખ્ય મંત્રી એકનાથ શિંદે સાથે જોડાયેલા કથિત 500 કરોડ રૂપિયાના વ્યવહારનો દાવો કરવામાં આવ્યો હતો. વિવાદ વધ્યા બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ પોલીસ દ્વારા વિશેષ તપાસ ટીમ (SIT) મારફતે તપાસ કરાવવાના આદેશ આપ્યા. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ઘટનાથી બે સંદેશ ગયા. પહેલો, સરકાર આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. બીજો, ફડણવીસે એક અત્યંત સંવેદનશીલ રાજકીય સંકટમાં વહીવટી નિયંત્રણ પોતાના હાથમાં રાખવાનો સંકેત આપ્યો છે.

મુખ્ય મંત્રી પદ પર ખુલ્લી દાવેદારી

દશેરાની રેલી દરમિયાન શિવસેના (શિંદે જૂથ)ના અનેક વરિષ્ઠ નેતાઓએ જાહેરમાં એકનાથ શિંદેને મહારાષ્ટ્રના ભાવિ મુખ્યમંત્રી ગણાવ્યા હતા. રાજકીય વિશ્લેષકો આ નિવેદનોને માત્ર પ્રશંસા તરીકે જોતા નથી, પરંતુ તેને ભાજપને સંદેશ આપવાના પ્રયાસ તરીકે પણ જુએ છે. આ સંદેશ એવો છે કે શિંદે જૂથ લાંબા સમય સુધી ગઠબંધનમાં ગૌણ ભાગીદાર બનીને રહેવા માગતું નથી અને ભવિષ્યમાં નેતૃત્વની ભૂમિકા પર પોતાનો દાવો જાળવી રાખવા માગે છે.

કોંકણ બન્યું ટકરાવનું કેન્દ્ર

કોંકણ વિસ્તારમાં પણ સાથી પક્ષો વચ્ચે તણાવ સતત વધતો જોવા મળ્યો છે. શિવસેનાના નેતાઓ અને અજિત પવાર જૂથના નેતાઓ વચ્ચે પાલકમંત્રી પદ, વિકાસનિધિ અને સ્થાનિક રાજકીય વર્ચસ્વને લઈને વિવાદો ખુલ્લેઆમ સામે આવ્યા છે.