નવી દિલ્હી: ભારતની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પીટર એલ્બર્સે તાત્કાલિક અસરથી પદ પરથી રાજીનામું આપી દીધું છે. કંપનીએ 10 માર્ચના રોજ આ માહિતી આપી હતી. એલ્બર્સના ગયા પછી, હવે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ભાટિયા વચગાળાના ધોરણે એરલાઇનના કામકાજની જવાબદારી સંભાળશે.
બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પીટર એલ્બર્સના યોગદાન બદલ તેમનો આભાર માન્યો છે અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. જ્યાં સુધી નવા કાયમી લીડરની નિમણૂક ન થાય ત્યાં સુધી રાહુલ ભાટિયા એરલાઇનનો તમામ વહીવટ સંભાળશે. કંપનીએ સંકેત આપ્યા છે કે નવા સીઈઓની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
3 મહિના પહેલા ઇન્ડિગોને ભારે ફ્લાઇટ ઓપરેશન્સ સંકટનો સામનો કરવો પડ્યો હતો. તે દરમિયાન લગભગ 3 લાખ મુસાફરો ફસાયા હતા, જેના પછી એવિએશન રેગ્યુલેટર DGCAએ એરલાઇન પર ₹22.20 કરોડનો ભારે દંડ પણ ફટકાર્યો હતો.
ઈન્ડિગો હાલમાં 400થી વધુ એરક્રાફ્ટ સાથે દરરોજ 2200થી વધુ ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. વર્ષ 2025માં તેને ‘બેસ્ટ એરલાઇન ઇન ઇન્ડિયા એન્ડ સાઉથ એશિયા’નો એવોર્ડ પણ મળ્યો હતો. 95થી વધુ ઘરેલુ અને 40થી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડતી ઈન્ડિગો આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી એરલાઇન્સમાંની એક છે.




