પેરા ઓલિમ્પિકમાં ભારતનું દમદાર પ્રદર્શન, દેશને મળ્યું ચોથું મેડલ

પેરિસ પેરાલિમ્પિક્સ 2024નો આજે બીજો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. દેશને ચોથો મેડલ મળ્યો છે. મનીષ નરવાલે 10 મીટર મેન્સ એર પિસ્તોલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. અગાઉ આ જ ઈવેન્ટની મહિલા ઈવેન્ટમાં ભારતની અવની લેખારાએ ગોલ્ડ અને મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પહેલા અવની લખેરાએ શૂટિંગમાં ગોલ્ડ અને મોના અગ્રવાલે બ્રોન્ઝ જીત્યા બાદ, પ્રીતિ પાલે ટ્રેક ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારતની અવની લેખારાએ વિમેન્સ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અવનીએ ફાઈનલમાં 249.7નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. એના સિવાય ભારતની મોના અગ્રવાલે આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. અવનીની આ જીત એટલા માટે પણ ઐતિહાસિક છે કારણ કે એણે નવો પેરાલિમ્પિક રેકોર્ડ બનાવ્યો છે.

અવની લેખરા અને દક્ષિણ કોરિયાની યુનરી લી વચ્ચે છેલ્લા શોટ સુધી ખૂબ જ ટક્કર હતી. ભારતની અવની છેલ્લા શોટ સુધી સિલ્વર મેડલની સ્થિતિમાં રહી હતી, પરંતુ તેના છેલ્લા શોટ પર ભારતીય શૂટરે 10.5નો સ્કોર કર્યો હતો. તે જ સમયે, કોરિયન શૂટર છેલ્લો શોટ ચૂકી અને છેલ્લા શોટ પરનો સ્કોર માત્ર 6.8 હતો. જેના કારણે કોરિયન શૂટરનો ફાઈનલ સ્કોર 246.8 રહ્યો હતો.

અવની લેખરા માત્ર 19 વર્ષની ઉંમરે ટોક્યો પેરાલિમ્પિકમાં ભાગ લેવા આવી હતી. ત્યાં એણે ફાઈનલમાં 249.6નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો અને નવો પેરાલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. હવે પેરિસ પેરાલિમ્પિકમાં અવનીએ 249.7નો સ્કોર કરીને પોતાનો જ રેકોર્ડ તોડીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.

જયારે પ્રીતિ પાલ પણ મહિલાઓની 100 મીટર (T35) રેસમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ સિવાય મનીષ નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1 ઈવેન્ટની ફાઈનલ મેચમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

મનીષે સતત બીજી પેરાલિમ્પિકમાં મેડલ જીત્યો છે. ગત પેરાલિમ્પિક્સમાં મનીષે 50 મીટર એર પિસ્તોલ SH1 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટની ફાઇનલમાં કોરિયાનો જેઓંગડુ પ્રથમ રહ્યા. એમણે 237.4નો સ્કોર કર્યો. જ્યારે, નરવાલ 234.9ના સ્કોર સાથે બીજા ક્રમે રહ્યાં, આ સિવાય ચીનની યાંગ ચાઓએ 214.3ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો.