હૈદરાબાદઃ ભારતના પ્રથમ વર્ચ્યુઅલ ગરબા શોનું હાલમાં જ હૈદરાબાદમાં વસતાં ગુજરાતી બીના મહેતાએ આયોજન કર્યું હતું. ‘ગરબાની રમઝટ’ શીર્ષક સાથે ગઈ પાંચ ઓક્ટોબરે યોજાઈ ગયેલા એ વર્ચ્યુઅલ લાઈવ ગરબાને ‘ઝૂમ’ અને એમની ‘યૂટ્યૂબ’ ચેનલ પર જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. પાંચ હજાર કરતાંય વધારે દર્શકોએ એનો લ્હાવો માણ્યો હતો.
હાલ કોરોના વાઈરસે સર્વત્ર ભરડો લીધો છે ત્યારે ખેલૈયાઓ એમની ગરબા ટેલેન્ટને પ્રદર્શિત કરી શકે અને ઘરમાં જ રહીને ગરબાનો આનંદ માણી શકે એ માટે તેમને પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે બીના મહેતાએ આ વર્ચ્યુઅલ ગરબાનું આયોજન કર્યું હતું જેને દેશ-વિદેશમાં વસતા ઘણા ગુજરાતી દર્શકોએ વખાણ્યો છે.
આ વર્ચ્યુઅલ ગરબા શોના જજ હતાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કોરિયોગ્રાફર્સ સમીર તન્ના અને અર્ષ તન્ના તેમજ હૈદરાબાદસ્થિત સોશ્યલાઈટ ભાવના હેમાની.
આ વર્ચ્યુઅલ ગરબા શોમાં અંબા માતાની આરતી પણ કરવામાં આવી હતી અને વિજેતાઓને રોકડ ઈનામ પણ આપવામાં આવ્યા હતા.
આ ઓનલાઇન સ્પર્ધામાં કુલ 51 એન્ટ્રી આવી હતી.
જેમાંથી સુરતના આયુષી અને અર્ષ દેસાઇને પ્રથમ ઇનામ, સુરતના જ ખુશી ઝવેરી અને મનીષ જાદવને દ્વિતિય ઇનામ અને વેણુ અને નિકી જોસેફને ત્રીજું ઇનામ મળ્યું હતું.
સમીર અને અર્ષ તન્નાએ જેમાં કોરિયોગ્રાફી કરી હતી તે ‘હેલ્લારો’ ફિલ્મના ગીત ‘વાગ્યો રે ઢોલ’ પર બીના મહેતાએ વિશેષ ગરબા નૃત્ય રજૂ કર્યું હતું અને એ રીતે મહેમાનોને આવકાર્યા હતા.
આ વખતે નવરાત્રિ ગ્રાઉન્ડ પર ન ઉજવી શકાય તો કાંઇ નહીં, ગુજરાતીઓ તો ઓનલાઇન પણ ગરબા ઉજવી શકે છે એ હૈદરાબાદના ગુજરાતીઓએ દેખાડી આપ્યું છે.